રાજકોટઃ સૌરાષ્ટ્રમાં હોળી પ્રગટાવાય ત્યારે જાળ કઈ દિશામાં જાય છે તે પરથી આવનારું વર્ષ કેવું જશે તેનો વરતારો કાઢવાની જૂની પરંપરા છે. જોકે તેને વૈજ્ઞાનિક સમર્થન નથી હોતું. આ વખતે હોળી પ્રગટી ત્યારે રાજકોટમાં ઉત્તરનો પવન હતો અર્થાત દક્ષિણ તરફ જાળ જતી હતી જેના પરથી ગત વર્ષે જેવું આ વર્ષ બહુ સારું નહીં રહે, પણ મધ્ય રહેશે તેવું અનુમાન જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.
રાજકોટના શાસ્ત્રી કૌશિકભાઈએ જણાવ્યા મુજબ હોળીની જાળ દક્ષિણ તરફ જતી જોવા મળી હતી અને ફળકથન અનુસાર આ વર્ષે કુદરતી ઉપજો મધ્યમ રહેશે. જ્યારે રોગ પ્રતિકારક શક્તિમાં થોડો ઘટાડો થાય અને જનઆરોગ્ય સામાન્ય રહે તો લોકોની એકંદર આવક પણ મધ્યમ રહેવા અનુમાન છે. તો આ સાથે હવામાન કચેરીનો સંપર્ક સાધતા રાત્રે પોણા નવ વાગ્યે રાજકોટમાં પવન ઉત્તર દિશાનો થયો હતો.
સાંજના સાડા પાંચ સુધી (હોળી પ્રાગટ્ય પહેલાં) રાજકોટમાં પવનની દિશા પૂર્વની હતી તો કેશોદમાં પશ્ચિમ-દક્ષિણની પોરબંદર, વેરાવળમાં પશ્ચિમી પવન ફૂંકાતો હતો તો મહુવામાં દક્ષિણનો પવન હતો. પરંતુ પવનની ગતિ મંદ હોવાથી તે દિવસ દરમિયાન બદલાતી રહી હતી.