કોડિનારઃ વેલણ ગામે રહી મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા બચુભાઈ નાનજીભાઈ વાઘેલાની ૧૦ વર્ષની દીકરી હાર્મિનીને છેલ્લા ત્રણ માસથી એસએસપીઈ નામનો અસાધ્ય રોગ લાગુ પડતાં એક પછી એક અંગ નકામાં પડવા લાગ્યા છે.. મજૂરી કરી ગુજરાન ચલાવતો પરિવાર તેમની દીકરીને સાજી કરવા અનેક દવાખાને દોડી રહ્યો છે. હાર્મિની ધોરણ-૫માં અભ્યાસ કરે છે. ભણવામાં તે ઘણી હોંશિયાર છે. થોડા સમય પહેલાં બાળકીનું લેસન તેના શિક્ષકોએ તપાસ્યું તો તેની લેસનબુકમાં તેના અક્ષરો ફરી ગયેલા દેખાયા હતા. આ અંગે હાર્મિનીની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે, પોતાના હાથ ધ્રુજે છે. મને બધું જ આવડે છે પણ હાથ ધ્રુજે છે ત્યારે હું મારું લેસન બહેનપણી પાસે કરાવી લઉં છું. આ જાણીને શિક્ષકે હાર્મિનીના માતા પિતાનો સંપર્ક કર્યો અને બાળકીને કોઈ સારા ડોક્ટરને બતાવવાની સલાહ આપી.
હાર્મિનીના રોગની શરૂઆત હાથ ધ્રુજવાથી થઈ હતી. તેના પિતાએ નિષ્ણાત ડોક્ટરો પાસે બાળકીની સારવાર ચાલુ કરાવી હતી. આમ છતાં તેના એક પછી અંગ શિથિલ થવા લાગ્યા હતા. જોકે, આ પરિવાર હિંમત હાર્યો નથી અને અનેક દવાઓ કરાવી રહ્યો છે. ૧૦ વર્ષની આ માસૂમ બાળા એસએસપીઈ નામના અસાધ્ય રોગમાં મરવાના વાંકે જીવી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેના માતા પિતાએ આ રોગ માટે કોઈ સાચું સારું નિદાન શોધવાનું કાર્ય શરૂ કર્યું છે.