જામનગરઃ જામનગર શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે સતત ૧૧માં વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ બાળકો અને નવ મહિલાઓ સહિત ૪૪ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રથમ ત્રણ ક્રમાંકે વિજેતા થનારને પુરસ્કાર એનાયત કરાયા હતાં.
આ સ્પર્ધામાં પુરુષ વિભાગમાં ૩૨ સ્પર્ધકો મહિલાઓમાં ૯ સ્પર્ધકો અને બાળકોમાં ત્રણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જામનગર શહેર, જામજોધપુર, ખંભાળિયા, ભાણવડ, જામકંડોરણા સહિતના ૪૪ સ્પર્ધકો જોડાયાં હતાં.
જામનગરના સંસ્કૃત પાઠશાળામાં યોજાયેલી મોદક સ્પર્ધા માટે ૧૦૦ ગ્રામ વજનના ચુરમાનાં લાડુ અને દાળ બનાવીને પીરસાયા હતાં. એવરેજ એક વ્યક્તિ માટે ૫ લાડુની ગણતરી કરી તૈયાર કરવામાં આવ્યા હતાં જેમાં શુદ્ધ ઘી, સૂકો મેવો, જાવંત્રી, ચણાની દાળ વગેરેનું મિશ્રણ હતું. સ્પર્ધકોને લાડુ તેમજ દાળ પીરસવામાં આવ્યા હતાં.
પુરુષ વિભાગની સ્પર્ધામાં જામકંડોરણાના વતની ૫૦ વર્ષની વયના નવીનભાઈ દવેએ ૧૪ લાડુ ખાઈને બાજી મારી હતી.
ભાણવડના ૬૯ વર્ષના આર. એન. ઝાલા ૧૦ લાડુ આરોગીને દ્વિતીય સ્થાને અને જામનગરના ૮૦ વર્ષના કનકરાય ઓઝા ૮ લાડુ આરોગીને ત્રીજા સ્થાને રહ્યા.
બહેનોના વિભાગમાં જામનગરના જ ત્રણેય મહિલા વિજેતા બન્યાં હતાં. જેમાં ૧૦ લાડુ ખાઈને પદ્માવતીબહેન ગજેરા (ઉ. વ. ૫૨)ને પ્રથમ, સાત લાડુ આરોગીને હર્ષાબહેન ભુવા (ઉ. વ. ૫૦)ને દ્વિતીય અને છ લાડુ સાથે સરસ્વતીબહેન ગોહિલ (ઉ. વ. ૫૬)ને તૃતીય સ્થાન મળ્યું હતું.
બાળકોના વિભાગમાં હરિ ખેતાણી (ઉં ૧૧, જામનગર)એ ૩ લાડુ આરોગીને પ્રથમ સ્થાન, આદિત્ય (ઉં. ૧૩, જામનગર)એ બે લાડુ ખાઈને દ્વિતીય તથા કવન વજાણી (ઉં ૩)એ એક લાડુ આરોગીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.