રાજકોટ: કોરોના મહામારીના કારણે નવરાત્રીના આયોજનો યોજવા કે ન યોજવા અંગે વાદવિવાદ સર્જાઈ રહ્યાં છે ત્યારે રાજકોટમાં વર્ષોથી નવરાત્રીમાં થતી ગરૂડની ગરબી આ વખતે નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે કેટલીય પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાસોત્સવ આ વર્ષે નહીં યોજવાનો પણ નિર્ણય લેવાયો છે. રાજકોટમાં આશરે ૧૯૧૬માં લાખાજીરાજ બાપુએ આ ગરૂડની ગરબી શરૂ કરાવી હતી. કોરોનાને લીધે અને નાની બાળાઓની તેમજ રોજ ગરબી જોવા આવતા ૧૦ હજાર લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આયોજકોએ આ વર્ષે ગરબી નહીં યોજવા નિર્ણય કર્યો છે. જેથી ૧૦૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ગરૂડની પ્રાચીન ગરબી બંધ રહેશે. આ ગરબી વખતે દરબારગઢની ઉપરથી મા જગદંબા નીચે ગરબી રમવા આવે છે તેવી પ્રચલિત માન્યતા છે. આ ગરબી વખતે બાળાઓને ગરૂડમાં બેસાડીને ગરબી રમવા સ્ટેજ પર લવાય છે. વર્ષોથી એવી પણ માન્યતા છે કે, ગરૂડમાં બેસીને સ્ટેજ પર આવીને રાસ રમતી બાળાઓને આજીવન કોઈ ગંભીર બીમારી થતી નથી. એને માતાજીનું સત માનવામાં આવે છે.