અમરેલીઃ વાંકિયા ગામની સીમમાં એક પરપ્રાંતીય મહિલાને જન્મેલા બાળકના શ્વાસ થંભી જતાં ૧૦૮ની ટીમે મહામહેનતે નવજાત શિશુના હૃદયના ધબકારા પરત લાવી નવજીવન બક્ષ્યું હતું. વાંકિયા ગામમાં રહીને ભરતભાઈ ધાધલની વાડીએ કામ કરતા પરપ્રાંતીય છગનભાઈની પત્ની સંગીતાબહેનને ત્રીજી જૂને પ્રસૂતિની પીડા ઊપડતાં ૧૦૮ મેડિકલ ઇમરજન્સી સેવાને ફોન કરી જાણ કરાઈ હતી. અમરેલી ૧૦૮ના મહેશ સોલંકી અને યોગેશ વૈદ્ય વાંકિયા પહોંચતાં પ્રસૂતાને બાળકનો જન્મ થયો હતો, પરંતુ નવજાત શિશુ જન્મતાં સાથે રડતું નહોતું અને શરીરનાં અંગોનું હલનચલન કરતું ન હતું. ૧૦૮ના ઈએમટીએ ધબકારા ચેક કરતા ધબકારા બંધ હતા. જેથી જરા પણ વિલંબ કર્યા વગર બાળકની નાળ કાપી CPR તથા AMBUBAG દ્વારા બાળકને રડતું કરી ધબકારા પરત લાવી નવજાત શિશુને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડી નવજીવન બક્ષ્યું હતું. ૧૦૮ની ટીમ સમયસર ઘટનાસ્થળે ન પહોંચી હોત તો નવજાત શિશુના અટકેલા શ્વાસ ફરી ચાલુ થઈ શકત નહીં. અંતરિયાળ વિસ્તારો માટે ૧૦૮ ખરેખર આશીર્વાદરૂપ બની છે.