જૂનાગઢ: જૂનાગઢમાં દસમીએ ૧૨મી ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢ મહાનગર પાલિકાના મેયર આદ્યશક્તિ મજમુદાર અને ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ લીલી ઝંડી આપીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં કુલ ૧૨ રાજ્યોના ૫૦૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૨૯૨ સિનિયર બોયસ, ૭૮ જુનિયર બોયસ, ૯૬ સિનિયર ગર્લ્સ અને ૩૭ જુનિયર ગર્લ્સ સ્પર્ધામાં જોડાઈ હતી. છોકરીઓ માટે માલી પરબ સુધી ૨૨૦૦ પગથિયાં અને છોકરાઓ માટે અંબાજી મંદિર સુધી ૫૫૦૦ પગથિયાં ચડવાના હતા.
જૂનાગઢના યુવાન-યુવતી પ્રથમ
આ સ્પર્ધામાં સવારે ૭ વાગ્યે ભાઇઓની ટુકડીને ફલેગ ઓફ આપી રવાના કરાયા હતા. જયારે ૯ વાગ્યે બહેનોની ટુકડીને મહાનુભાવોએ ફલેગ ઓફ આપી હતી.
જૂનાગઢના લોટસ સ્પોર્ટસ એકેડમીના અમિત રાઠોડ ૫૬.૪૭ મિનિટમાં જ અંબાજી મંદિર સુધી પહોંચીને તળેટીએ આવ્યા હતા અને પ્રથમ નંબર મેળવ્યો હતો. જુનિયર ભાઇઓમાં સ્વામી વી. વી. મંદિર, જૂનાગઢના લાલા ચીમનભાઇ પરમારે ૫૯.૪૬ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
સિનિયર બહેનોમાં મોરબીમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતાં ભૂમિકાબહેન ભૂતે ૩૯.૦૭ મિનિટમાં માળી પરબ સુધીના ૨૨૦૦ પગથિયા ચડી ઉતરીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે જુનિયર બહેનોમાં જ્ઞાનજ્યોતિ વિદ્યામંદિર ખિરસરાની વિદ્યાર્થિની સાયરાબહેન કથુરિયાએ ૩૭.૩૬ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.