ભાવનગર: ભાવનગર જિલ્લાના ઉમરાળામાં જન્મેલા ફૂલચંદભાઈ શાસ્ત્રીએ આધ્યાત્મિક જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે અત્યાર સુધીમાં વિશ્વના ૧૪૨ દેશોની વિક્રમી યાત્રા કરી છે. શાસ્ત્રીજીની ખૂબી એ છે કે જે દેશમાં જાય ત્યાં સૌપ્રથમ એ દેશની ભાષા શીખી જાય. વળી, જે તે દેશની ભાષામાં માત્ર વાંચન લેખન જ નહિ તે ભાષામાં પ્રવચનો પણ આપતા હોય છે. તેઓ કહે છે કે, ૧૯ વર્ષની વયે ૧૫૦૦ જેટલા આધ્યાત્મિક ગ્રંથો તેમણે કંઠસ્થ કરી લીધા હતા. એ પછી વિવિધ ભાષા શીખવાનો પણ રસ જાગ્યો.
ફિલિપિન્સમાં ૩૫ ભાષાનાં પ્રવચનનો વિક્રમ
ફૂલચંદભાઈ શાસ્ત્રીનો ફિલિપાઇન્સ દેશમાં ૩૫ ભાષાઓમાં પ્રવચન આપવાનો રેકોર્ડ છે. પ્રવચનકાર તરીકે પણ કુલ ૨૯,૦૦૦ કલાકના પ્રવચનો આપ્યા છે. સોનગઢના પારસભાઈ શાહે તેમના વિષે જણાવ્યું કે કાનજીસ્વામી અને શ્રીમદ્ રાજચંદ્ર તેમના આધ્યાત્મિક ગુરુ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશનને પંચમકાળના અંત સુધી સુરક્ષિત રાખવા ઝુંબેશ ઉપાડી છે. તેઓએ ૫૦૦ કેદીઓ સહિત ૫૦૦૦થી વધુ વિદેશીઓને શાકાહારી પણ બનાવ્યા છે.