પોરબંદર: વર્ષ ૧૯૫૮માં ચરખા જયંતી નિમિત્તે યાદીની હૂંડી બહાર પાડવામાં આવી હતી તે આજે પણ પોરબંદરના વેપારી શૈલેષભાઇ ઠાકર પાસે સચવાયેલી છે. ભારતમાં ૧૯૫૮માં ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનમાં ગાંધીજીના નામનું ચલણ ચાલતું હતું અને વસ્તુ મળતી હતી. ચરખા જયંતી નિમિત્તે વર્ષ ૧૯૫૮માં જ ખાદી હૂંડી બહાર પડી હતી. આ ૫ અને ૧૦ની હૂંડી છે જેમાં પાંચની હૂંડી પાંચ ઇંચ લાંબી અને ૩ ઇંચ પહોળી છે અને ૧૦ની હૂંડી ૬ ઇંચ લાંબી અને ૩ ઇંચ પહોળી છે. ખાદી ભંડારના માન્ય ભંડારમાં આ હૂંડી ચાલતી હતી. પાંચ અને દસની એ જમાનાની હૂંડી અત્યારની તુલનામાં એક લાખ બરાબર થતી હશે. શૈલેષભાઈને વારસાગત રીતે આ હૂંડી મળી છે. આ હૂંડી વિશે તેઓ પોતાના દાદા રતિલાલ હરજીવન ઠાકર પાસે વાતો સાંભળતા ત્યારથી હૂંડી સાચવવા માટેનું આકર્ષણ થયું હતું.