સોમનાથઃ આમ આદમી પક્ષના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે નવમી જુલાઈએ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન જાહેરાત કરી હતી કે, તેમની પાર્ટી ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. કેજરીવાલે તીર્થસ્થાન સોમનાથના દર્શન કરીને તુરંત ખેડૂતોની સભાને સંબોધતાં કહ્યું કે, ‘સુરતની મુલાકાત ગુજરાત સરકારે ભલે રદ કરાવી, પણ સોમનાથ દાદાના આશીર્વાદ લેવાનું નિમિત્ત હશે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પૂરા જોશથી ‘આપ’ ઝંપલાવશે.
કેજરીવાલનું આકર્ષણ
કેજરીવાલે કેશોદના અગતરાય અને જેતલસરમાં ખેડૂતો અને સામાન્ય લોકો સાથે પણ મુલાકાત કરી હતી. ક્યાંક ચાય પે ચર્ચા, ખાટલા પરિષદ પણ કરીને મોડી સાંજે કેજરીવાલ તેના કાફલા સાથે રાજકોટ પરત ફર્યા હતા. તમામ જગ્યાએ ધાર્યા કરતાં વધુ મેદનીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને માટે આગામી સમયે વિચારવા
જેવું ચિત્ર કેજરીવાલે ઊભું કરી દીધું હતું.
યતીન ઓઝા ‘આપ’માં
ભાજપના વર્તમાન સભ્ય નલિન કોટડિયા અને અમદાવાદ ભૂતપૂર્વ ધારાસભ્ય યતીન ઓઝા ‘આપ’માં જોડાઈ જશે એવું અધિકૃત સૂત્રોએ જાણાવ્યું છે. નલીન કોટડિયા વર્તમાન ધારાસભ્ય છે. તેઓ ભાજપથી વિમુખ થઈ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પછી ૨૦૧૪ ફેબ્રુઆરીમાં જીપીપીનું ફરી ભાજપમાં વિલીનીકરણ થયું હતું. કેજરીવાલની ગુજરાત મુલાકાતમાં બંને નેતાઓ રાજકોટના
સર્કિટ હાઉસ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા.