રાજકોટ: ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું રાજકોટમાં વર્ચ્યુઅલ ભૂમિપૂજન વડા પ્રધાન મોદીએ ૩૧મી ડિસેમ્બરે કર્યું હતું. રાજકોટથી ૧૬ કિ.મી. દૂર ખંઢેરી પાસે રૂ. ૧૧૯૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારી ‘એમ્સ’નું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરતા ગુજરાત માટે એમ્સને મહત્ત્વની સુવિધા ગણાવતા નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટિલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મોદીએ આ પ્રસંગે કહ્યું કે, વિદાય લેતું ૨૦૨૦નું વર્ષ પડકારોનું હતું. વર્ષ ૨૦૨૧ હેલ્થ સોલ્યુશન્સનું બની રહેશે. તેમણે નવા વર્ષને કોરોના સામે જીતની આશાનું વર્ષ ગણાવ્યું હતું. મોદીએ કહ્યું કે, હવે કોરોનાની રસી આપણી સામે છે. થોડા જ સમયની વાર છે, પરંતુ દવા આવી ગઈ છે એટલે ભ્રમમાં ન રહેતા. કોરોના ઘટે છે એ સાચું, પરંતુ તે ફરીથી ઝપેટમાં લઈ શકે છે. દો ગજની દૂરી, માસ્ક અને સામાજિક અંતર અનિવાર્ય છે. પહેલાં હું કહેતો હતો ‘જબ તક દવાઈ નહીં, તબ તક ઢીલાઈ નહીં’ હવે વર્ષ ૨૦૨૧નો નવો મંત્ર છે ‘દવાઈ ભી ઓર કડાઈ ભી’.
અફવાઓથી બચોઃ મોદી
મોદીએ કહ્યું કે, દેશમાં રસી બાબતે બદઈરાદાથી અફવાઓનું બજાર ગરમ બનાવાઈ રહ્યું છે. લોકો તેનાથી પ્રેરાવાને બદલે સાવધ રહે અને જવાબદાર નાગરિક તરીકે સ્વાસ્થ્ય ઝુંબેશમાં સહયોગી બને.
૬ વર્ષમાં ૧૦ ‘એમ્સ’
મોદીએ કહ્યું કે, દેશમાં આગામી ૬ વર્ષમાં ૧૦ એમ્સ અને તેના જેવી ૨૦ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણનું લક્ષ્ય છે. એકપણ રાજય એમ્સથી બાકાત નહીં રહે. વડા પ્રધાને કહ્યું કે, દેશમાં દર ત્રણ લોકસભા મતક્ષેત્રો દીઠ ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ હશે. છેલ્લા વર્ષમાં મેડિકલની ૩૧૦૦૦ અને પોસ્ટ ગ્રેજયુએશન મેડિકલની ૨૪૦૦૦ બેઠકો વધી છે. વડા પ્રધાને કહ્યું કે ભારત હેલ્થ ઓફ ફયુચર અને ફયુચર ઓફ હેલ્થ બંનેમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. વિશ્વને માસ ઈન્યુનાઈઝેશન અને એકસપર્ટાઈઝેશન બંને જોવા મળશે. બીમારીઓ ગ્લોબલાઈઝ થઈ રહી છે ત્યારે હેલ્થ સોલ્યુશન્સ પણ ગ્લોબલાઈઝ થાય, પૂરી દુનિયા ઈલાજ માટે એક બને તે જરૂરી છે. ભારતે ગ્લોબલ પ્લેયર તરીકે ડિમાન્ડ મુજબ એડપ્ટ, ઈવોલ્વ અને એકસ્પાન્ડની ક્ષમતા દર્શાવી છે. હવે દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાન માટે ભારત તૈયાર છે.