રાજકોટ: માંધાતાસિંહ જાડેજાનો તાજેતરમાં રાજકોટમાં ૧૭માં ઠાકોર સાહેબ તરીકે રાજતિલક વિધિ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ક્ષત્રિય સમાજની ૨૧૨૬ દીકરાઓએ પરંપરાગત પોષાકમાં કાલાવડ રોડ પર આવેલા ડ્રાઇવિન સિનેમાના ગ્રાઉન્ડમાં તલવાર રાસ કર્યો હતો. આ તમામ દીકરીઓએ ૯ મિનિટ અને ૪૯ સેકન્ડ સુધી સતત તલવાર રાસ કર્યો હતો. આ રાસને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
એક મહિનાથી તૈયારી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના રાજપૂત સમાજની ૨૫૦૦થી વધુ દીકરીઓ તલવાર રાસની પ્રેક્ટિસ કરી રહી હતી. તલવાર રાસથી નારી શક્તિના દર્શન જોવા મળ્યા હતા. પરંપરાગત પોષાકમાં રાજપૂત સમાજના લોકો જોવા મળ્યા હતા. તલવાર રાસમાં રાજપૂત સમાજની યુવતીઓ અને મહિલાઓ પણ સામેલ થઇ હતી. તલવાર રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રાજવી પરિવારની ઉપસ્થિતિ
તલવાર રાસ યોજાયો ત્યારે માંધાતાસિંહ જાડેજા, તેમના દીકરા જયદીપસિંહ જાડેજા, યુવરાણી કાદમ્બરીદેવી સહિત સૌરાષ્ટ્રના રાજવી પરિવારોના સભ્યોની હાજરી હતી અને તેમણે રાસને નિહાળ્યો હતો.
લંડનથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી હતી. તલવાર રાસ બાદ નિનિસ બુકની ટીમે તલવાર રાસના વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ માંધાતાસિંહને અર્પણ કર્યું હતું.
અગાઉ ધ્રોલમાં રેકોર્ડ
ઉલ્લેખનીય છે કે ૨૩મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ભૂચરમોરીના મેદાનમાં ૨૦૦૦થી વધુ રાજપૂત બહેનોએ એક સાથે તલવારબાજી કરી હતી.
આ મહિલાઓએ તસવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. આ કાર્યક્રમમાં સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીય પ્રધાન વી. કે સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.