૨૫૭ જહાજના જન્મ સ્થળ આલ્કોકનો મૃત્યુઘંટ વાગ્યો

Wednesday 12th September 2018 07:09 EDT
 
 

ભાવનગરઃ ભાવનગર શિપ બિલ્ડીંગ બ્રેકિંગ ક્ષેત્રે દુનિયાભરમાં વિખ્યાત આલ્કોક એશડાઉનમાં સાડા ચાર દાયકામાં રપ૭ જહાજો બનવાયા છે. મધ્યમ કદના જહાજો બાંધવાના શિપ બિલ્ડીંગ ક્ષેત્રે આલ્કોકનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાયું છે. અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીની થપાટો ઝીલે છે ત્યારે આલ્કોકનો પણ મૃત્યુઘંટ વાગી ચૂક્યો છે. કેન્દ્રની સરકારમાં શિપિંગ મિનિસ્ટર ભાવનગર જિલ્લાના મનસુખ માંડવિયા છે છતાં આલ્કોક મરણપથારીએ હોય તે નિરાશાજનક બાબત હોવાની ચર્ચા છે.
આલ્કોકને ૧૯૭૩માં પાર્લામેન્ટમાં ખરડો પસાર કરીને ભારત સરકારે હસ્તક લીધું હતું. આ ઉદ્યોગ ૧૯૯૪થી પૂર્ણ રીતે રાજ્ય સરકાર હસ્તક હતો. આલ્કોકના જહાજની ગુણવત્તાને ખ્યાતનામ સર્વેયર કંપનીઓ લોઈડસ, અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ, ડીએનવી સહિતનાએ વખાણી હતી. ૧૯૭૫થી આ યુનિટની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ ત્યારથી અહીં લગલગાટ જહાજો બનાવાતા રહ્યા છે.
માત્ર ૬૪ કર્મચારીઓ
૧૭ ઓક્ટોબર ૧૯૮૫ની વહેલી સવારે સમુદ્રની ભરતીમાં આલ્કોકે એક સ્ટીલ જહાજને તરતું મૂક્યું તે સાથે આ કંપનીએ ૧૦૦ જહાજો બાંધવાનો વિક્રમ સર્જ્યો હતો. આ ૧૦૦ જહાજોમાંથી ૩૦ જહાજ વિદેશોમાં તેમની માગણી મુજબ તૈયાર કરીને અપાયા હતા અને જીએમબીના ૪ જહાજના ઓર્ડર પૈકીના ત્રીજા જહાજ સાથે આલ્કોક ૧૦૦ જહાજનું જન્મસ્થળ બન્યું. અહીં ફાઈબર ગ્લાસના જહાજ, અદ્યતન એરકંડિશન્ડ સુવિધાવાળા રૂ. ૧૦ કરોડના ફિશીંગ ટ્રોલર, કસ્ટમ માટે પેટ્રોલ લોંચ, પાયલોટ લોંચ, નાની-મોટી ઉતારુ હોડીઓ, પૂર રાહત હોડીઓ અને છેલ્લે દરિયામાં શોધખોળ કરી શકે તેવું સર્વે વેસલ બનાવાયું હતું. ૧૯૮૩-૮૪માં કંપનીમાં ૩૧૪ માણસો કામ કરતા હતા અને હાલમાં ૬૪ કર્મચારીઓ નિષ્કામ નોકરી કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટથી લેવાયેલા ઈજનેરોને તો છૂટા કરી દેવાયા છે.
ઈન્ડિયન નેવીએ આલ્કોક એશડાઉનને રૂ. ૧૧૦ કરોડનું એક એવા ૬ જહાજનો ઓર્ડર આપ્યો હતો. તેમાંથી એક જહાજ તૈયાર થયું, પણ પ્રોજેક્ટ વિલંબમાં પડતાં નેવીએ જણાવ્યું કે જહાજના નિર્માણની રાજ્ય સરકાર જવાબદારી લે તો જ સંપૂર્ણ રકમ ચૂકવી દઈએ. તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદી બહેન પટેલે આ જવાબદારી સ્વીકારી પણ હતી. જોકે નેવીએ તૈયાર જહાજના રૂ. ૧૧૦ કરોડ ચૂકવી દેતાં આલ્કોકને ઓક્સિજન મળ્યો હતો, પણ મુખ્ય પ્રધાનની બદલી પછી આલ્કોકની નૈયા પુનઃ ડૂબતી દેખાઈ. વળી, નેવીના અન્ય પાંચ જહાજો બનાવવાનું શરૂ કર્યા બાદ અટકી ગયું હતું.
જોકે વિજય રૂપાણીની નવી રાજ્ય સરકારે આલ્કોકનું ત્રણ બેન્કોના રૂ. ૩૦૦ કરોડનું લેણું બેંકો સાથેની વાટાઘાટોથી રૂ. ૫૬ કરોડ કરાવ્યું હતું. જેથી આલ્કોક પર કોઈ સરકારી લેણું નથી. જો નેવીના પાંચ જહાજોના ઓર્ડર પર પૂર્ણવિરામ મુકાશે તો રાજ્ય સરકારે નેવીને રૂ. ર૦૦ કરોડ ચૂકવવા પડે તેવી સ્થિતિ છે. હવે આલ્કોક વતી નેવી સાથે વાટાઘાટ અટકતાં આલ્કોક બંધ થવાની અણીએ છે.
આલ્કોક એશડાઉનના ચેરમેન ગુજરાત રાજ્યના ઉદ્યોગ કમિશનર મમતા વર્મા છે અને મેનેજિંગ ડિરેક્ટર ભાવનગરના મ્યુનિ. કમિશનર એમ એ ગાંધી છે. થોડા સમય પૂર્વે મળેલી બોર્ડની મિટિંગમાં આલ્કોક જીએમબીને સોંપી દેવા વાટાઘાટો થઈ, પરંતુ જીએમબીના ચેરમેને શિપ બિલ્ડીંગ પોતાનો વિષય નથી તેમ કહીને સંભાળવાનો ઈનકાર કરી દેતાં કંપની બંધ થવાના આરે છે.
નેવીનું પ્રથમ જહાજ ભાવનગરમાં બન્યું
સમુદ્રમાં સંશોધન માટેનું ભારતીય નેવીનું પ્રથમ જહાજ આલ્કોકમાં બન્યું હતું. આલ્કોકમાં બનેલા આઈએનએસ રપ૭ (મકર) જહાજે મુંબઈના અખાતમાં ચાર વર્ષ પૂર્વે બ્લાસ્ટ થયેલી સબમરીન શોધીને નેવીને મોટી સિદ્ધિ અપાવી હતી. જોકે વિદેશી કંપની દ્વારા પણ ડૂબેલા જહાજોના સંશોધન માટેના જહાજો બનાવવા હવે કોન્ટ્રાક્ટ મળતા નથી.
ઈસરોમાં આલ્કોકે તૈયાર કરેલો એન્ટેના
આલ્કોકે ફાઈબર ગ્લાસના એન્ટેના તૈયાર કરીને અવકાશી સિદ્ધિ પણ મેળવી છે. ઈસરોમાં પ્રયોગ માટે મુકાયેલો આ એન્ટેના ઈનસેટ વન-બી દ્વારા સંદેશા ઝીલી પ્રત્યાયનની સફળ કામગીરી બજાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter