ભાવનગર: આશરે ૩૧૯૫ વર્ષ પહેલા શરદ પૂનમની રાત્રિએ સૌરાષ્ટ્રના પૂર્વ દિશાના સમુદ્રતટેથી એક અગત્યના બંદરીય નગર લોથલનો વિનાશ થઈ જતાં વેપાર ક્ષેત્રે મહત્ત્વ ધરાવતું આ શહેર ઇતિહાસ બની ગયું હતું.
ભારતના અગ્રણી પુરાતત્ત્વ શાસ્ત્રી એસ. આર. રાવના સંશોધન પ્રમાણે લોથલનો વિનાશ ઇ.સ. પૂર્વે ૧૨૦૦થી ૧૩૦૦ વર્ષ દરમિયાન થયો હતો. જ્યારે વલ્લભ સંપ્રદાયના ગ્રંથ યુગ ઉદયની સાગરીય પ્રશસ્તિ અનુસાર શ્રી કૃષ્ણ સંવત ૩૨ એટલે કે ઇ.સ. પૂર્વે ૧૧૭૯માં શરદ પૂનમની રાત્રે ભયાનક ધરતીકંપ આવ્યો હતો અને તેના કારણે ઉદભવેલા વિષમ વાતાવરણના કારણે ધોધમાર વરસાદ અને સમુદ્ર જળના અતિક્રમણના કારણે બંદરીય નગર લોથલ એટલે કે વલ્લભીધરનો જળઘાતે સંપૂર્ણ વિનાશ થયો હતો.