૩૪ વર્ષ પહેલાંના પૂરમાં નુક્સાનનું વળતર મંજૂર

Wednesday 29th November 2017 06:41 EST
 

પોરબંદરઃ ૧૯૮૩માં સમગ્ર પોરબંદર તેમજ છાયા પંથકમાં ભયંકર પૂરની હોનારત થઈ હતી. છાયા પંથકમાં ૨૦ દિવસ સુધી પાણી ભરાયેલા હતા અને તેના કારણે વેપારી શાંતિલાલ માલવિયાને ભારે નુકસાન થયું હતું. ઓરીએન્ટલ ફાયર અને જનરલ ઈન્સ્યુરન્સ કંપનીમાં તેમણે વીમો ઉતરાવ્યો હતો. આ માટે કંપનીએ ક્લેમ નામંજૂર કરતાં પોરબંદરની કોર્ટમાં તેમણે દાવો કર્યો હતો. દાવો પોરબંદરની કોર્ટમાં ચાલતાં વેપારી વતી તેમના એડવોકેટે કુદરતી આફત હોવાથી ઈન્સ્યુરન્સ એક્ટની જોગવાઈ મુજબ વળતર મળવું જ જોઈએ તેવી વિગતવારની દલીલ કરી હતી. હોનારત વખતે યુવાન વેપારી શાંતિલાલ માલવિયા ૩૦ વર્ષ પછી હવે વયોવૃદ્ધ છે. આમ છતાં તેઓએ લડત છોડી નહોતી. આ કેસમાં પોરબંદરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ઈજનેર દ્વારા ૩૦ વર્ષ જૂના દાવાને પ્રાધાન્ય આપી રોજબરોજ કેસ ચલાવી પુરાવો લઈ અને સમગ્ર કેસપેપર્સ, જુબાનીને ધ્યાને લઈ દાવો મંજૂર કરેલો છે અને ઈન્સ્યુરન્સ કંપનીને ૬ ટકા વ્યાજ સહિત રકમ રૂ. ૪,૨૫,૦૦૦ ચૂકવવાનો હુકમ છે.
૩૪ વર્ષ પહેલાં ૧૯૮૩ની સાલમાં પૂર આવ્યું હતું. ૧૯૮૭ની સાલમાં નુકસાની વળતરના દાવા માટે કેસ કરાયો હતો જે તાજેતરમાં ઘટનાના ૩૦ વર્ષ પછી મંજૂર થતાં વૃદ્ધ ખુશ છે. તેઓ હવે વયોવૃદ્ધ છે ત્યારે તેમને નુક્સાનીના વળતર રૂપે રૂ. ૪ લાખ ૨૫ હજારની રકમ ૬ ટકા વ્યાજના ઉમેરા સાથે નજીકના સમયમાં મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter