જૂનાગઢઃ વિશ્વના ૧૧ જેટલા દેશમાં ૩૬ વર્ષથી પદયાત્રા કરી ૩.૧૫ લાખ કિ.મી.નું અંતર કાપનારા ત્રણ સાહસિકો જૂનાગઢ પહોંચ્યા છે. ગુજરાતથી તેઓ મહારાષ્ટ્ર અને ગોવા થઈ ચેન્નાઈ જશે. આ પદયાત્રા ઓસ્ટ્રેલિયા ખાતે પૂર્ણ થશે.
ભારત-નેપાળ સરહદ નજીકથી ૧૯૮૦ના વર્ષમાં ૨૦ જેટલા સાહસિકોએ પર્યાવરણ બચાવો, બેટી બચાવો અને શિક્ષણ અંગેની જાગૃતિનો સંદેશ આપવા પદયાત્રા શરૂ કરી હતી. આ યાત્રામાં યુપી, બિહાર સહિતના રાજ્યોના લોકો છે. જેઓએ પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિતના ૧૧ જેટલા દેશમાં ૩.૧૫ લાખ કિ.મી.ની પદયાત્રા કરી લીધી છે. જેમાંના મહેન્દ્ર પ્રતાપસિંહ તથા અન્ય બે પદયાત્રિકે જૂનાગઢ કલેક્ટર કચેરીની તાજેતરમાં મુલાકાત લીધી હતી. પ્રતાપસિંહે જણાવ્યું હતું કે, પદયાત્રા દરમિયાન ત્રણ દિવસ જૂનાગઢમાં રોકાણ કરવાનું નક્કી થયું હતું. આ દિવસોમાં શાળા-કોલેજમાં જઈ પર્યાવરણ જાગૃતિ, બેટી બચાવો તથા શિક્ષણ અંગેનો સંદેશો આપી વૃક્ષારોપણની યોજના પૂરી કરી છે. આ ગ્રુપના યુવાનોએ વર્ષોથી ઘર પણ જોયું નથી અને લગ્ન પણ કર્યાં નથી.