૪,૫૦૦ વર્ષ જૂનું ગુજરાતનું ‘મોહેંજો દડો’ રોઝડી બિસ્માર

Tuesday 16th August 2016 09:49 EDT
 
 

રોઝડીઃ આશુતોષ ગોવારિકરની ફિલ્મને કારણે જગવિખ્યાત બનેલું પુરાતત્ત્વીય મોહેંજો દડો હાલ તો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવે છે. મોહેંજો દડો શબ્દનો અર્થ ‘મડદાંનો ટેકરો’ થાય છે. ૪૫૦૦ વર્ષ જૂના એ અવશેષો સિંધુ ખીણની સૌથી મોટી વસાહતનો પુરાવો છે. મોંહેજો એ હડપ્પીય સંસ્કૃતિની સાઈટ છે. એ સમયની જ કેટલીક જગાઓ ગુજરાતમાં પણ છે અને મોટા ભાગની બિસ્માર હાલતમાં છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે શ્રીનાથગઢમાં રોઝડી પુરાત્ત્વીય જગા છે, પરંતુ શ્રીનાથગઢવાસીઓએ પણ ત્યાં જવું હોય તો રસ્તો ન મળે એટલી હદે ત્યાં ગાંડા બાવળ ઊગી નીકળ્યા છે. ભાદર નદીના કાંઠે સાડા ચાર હજાર વર્ષ પહેલાં અહીં એક નગર વસતું હતું. આજે પણ ત્યાં જમીન પર પથરાયેલી પથ્થરોની હારમાળા બહુ સ્પષ્ટ દેખાય છે જે એ સમયના બાંધકામનો પુરાવો આપે છે. પથ્થરની દીવાલોની હારમાળા ક્યાંક ચોરસ, ક્યાંક ગોળ, ક્યાંક અર્ધગોળ છે. ગોળાકાર દીવાલો વધારે પહોળી છે, ચોરસ દીવાલો થોડી સાંકડી છે. પચાસેક વીઘામાં પથરાયેલું એ આખુંય બાંધકામ પચ્ચીસ-પાંત્રીસ ફૂટ ઊંચા ઢોળાવ પર છે. અત્યારે ખંડેર અને વેરાન સ્થળ હકીકતે માનવસંસ્કૃતિના ઈતિહાસનું એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ છે. જે ભુલાઈ ગયું છે, ભુલાઈ રહ્યું છે. સાડા ચાર શહસ્ત્રાબ્દી પહેલાં ત્યાં જનજીવન ધબકતું હતું.

ગુજરાતી આર્કિયોલોજિસ્ટ પુરુષોત્તમદાસ પ્રેમશંકર પંડયાએ સૌ પ્રથમ વખત ૧૯૫૭-૫૮માં રોઝડીનું ઉત્ખનન કર્યું હતું. એ વખતે ત્યાંથી વાસણો, ઘરેણાં, માટલાં, સ્ટેન્ડવાળી થાળી, વાટકા વગેરે અનેક ચીજો મળી હતી. ટીંબા પરથી એક તો માટીનું પૈડું મળ્યાં હતાં.

એ બધી ચીજો આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ પાસે ક્યાંક પડી છે. રંગપુર અને લોથલની માફક રોજડી પણ કિલ્લેબંધ નગર હતું. આજે પણ કિલ્લાની, મકાનની પથ્થરની દીવાલો ઓળખી શકાય એમ છે. ગઢની રાંગ, પ્રવેશદ્વાર વગેરેના અવશેષો નથી રહ્યા, માત્ર પથ્થરની હારમાળા છે.

અમેરિકાની ‘પેન્સાલ્વેનિયા યુનિવર્સિટી’ની ટીમે પ્રોફેસર ગ્રેગરી પોસેલના અધ્યક્ષસ્થાને ૧૯૮૨માં મહિનાઓ સુધી આ જગાનો અભ્યાસ કર્યો હતો. પોસેલે ‘હડપ્પન સિવિલાઈઝેશન એન્ડ રોઝડી’ નામે પુસ્તક પણ લખ્યું છે. ૧૯૮૨ પછી અહીં કોઈ ખાસ સંશોધન થયું નથી.

શોધ અને સંશોધન

રોઝડીની શોધ પુરાતત્ત્વશાસ્ત્રી પ્રેમશંકર પંડયાએ કરી હતી. પ્રખર આર્કિયોલોજિસ્ટ ડો. હસમુખ સાંકળિયાના માર્ગદર્શન નીચે પંડયાએ કુલ મળીને ૩૦થી વધુ હડપ્પીય જગાઓ ગુજરાતમાં શોધી કાઢી હતી. બીજી તરફ અત્યારના ગુજરાતના પુરાતત્ત્વ ખાતાએ છેલ્લા ૫૦ વર્ષમાં એક ડઝનથી પણ ઓછી જગાઓ શોધી છે એટલે કે પંડયાએ એકલાએ કામ કર્યું હતું એનાથી અડધુંય આખું પુરાતત્ત્વ ખાતું નથી કરી શકતું.

રહસ્યમય નગરી રોઝડી

પુરાતત્ત્વવિદોના સંશોધન પછી જાણવા મળ્યું કે, અહીં હડપ્પીય ઉપરાંત બીજી કોઈ સંસ્કૃતિનો પણ વિકસી હતી. રોઝડીનાં વાસણોમાં ચિત્રોનો અભાવ છે. મુદ્રાઓ નથી. લિપિના પણ બહુ ઓછા અવશેષો છે. તેનો એક અર્થ એ પણ થાય કે આ સ્થળ હડપ્પાકાલીન હોવા છતાં અહીં તેના પછીય વસાહતો હતી. રોઝડીનું પુરાતત્ત્વ કંઈક અંશે અન્ય જગાઓથી અલગ પડે છે. તો પછી ત્યાં રહેતાં એ લોકો કોણ હતાં? કેવાં હતાં? એવા ઘણા સવાલોનો રહસ્મય જવાબ શોધવાનો બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter