ભુજઃ મુંદરા તાલુકાના છસરાથી ભચાઉ તાલુકાના આમરડી સહિતના ભૂભાગમાં વાગડ ફોલ્ટના ભૂકંપથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. ૨૯મી માર્ચે મધ્ય રાત્રે ૨.૧૩ કલાકથી એક પછી એક ભૂકંપના ૧૪ આંચકાઓએ કચ્છની ધરા ધ્રુજાવી હતી. ૩૦મી માર્ચે સવારે ૪ વાગે આવેલા ૪.૮ રિક્ટર સ્કેલના ભૂકંપથી લોકો વધુ ડરી ગયા હતા. ગુજરાત સરકારના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરે આપેલી માહિતી અનુસાર રાત્રે ૨.૧૩ કલાકે ૨.૦ની તીવ્રતા સાથે ભૂ કંપન નોંધાયું હતું. આ આંચકાનું એપી સેન્ટર ૨.૩, ૨.૫ ઉત્તરીય અક્ષાંશ વચ્ચે ભચાઉથી ૧૮ કિ.મી દૂર નોંધાયું હતું. તીવ્ર કંપન બાદ ૩.૧, ૧.૨, ૧.૩, ૧.૮ અને ૪.૮ના ભૂકંપના આંચકા નોંધાયા હતા.
સૌરાષ્ટ્રમાં પણ આંચકા અનુભવાયા
ભૂકંપની શક્યતાવાળા જોન કચ્છ પંથકમાં ૨૯મી માર્ચે સવારે ૪.૦૩ કલાકે ૪.૮ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. આ ભૂકંપની અસર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, માળિયામિયાણાના હંજીયાસર, વાંકાનેર, જામનગર, મોરબી સહિતના પંથકમાં અનુભવાઈ હતી. ઉલ્લેખનીય છે કે ૨૪ કલાકમાં કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ૧૪ આંચકા અનુભવાયા હતા. જમીનના પાતાળમાં થયેલી ઘરઘરાટી અન આંચકાને કારણે લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉનાળાના પ્રારંભે આવેલા આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સદ્ભાગ્યે જાન-માલની હાનિ થઈ ન હતી.
આ આંચકો જામનગર શહેર જિલ્લામાં અનુભવાયો હતો. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને આંચકાનો વધુ અનુભવ થયો હતો. જિલ્લામાં ધ્રોલ, જોડિયા, આમરણ પંથકના અમુક ગામના લોકોએ આંચકો અનુભવ્યો હતો. પરોઢે ૪.૦૩ કલાક બાદ ત્રણ મિનિટમાં જ ૩.૫ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. મોરબીમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. વાંકાનેરમાં ભૂકંપની માત્ર ઘરેરાટી સંભળાઈ હતી. માળિયામિયાણાના હંજીયાસર ગામે ભૂંકપનો અનુભવ થયો હતો.