જૂનાગઢઃ ગુજરાતમાં કોરોના મહામારીને લઈને લોકડાઉનથી બંધ કરાયેલ સફરી પાર્ક, પ્રાણી સંગ્રહાલયો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. સરકારે ૩જી સપ્ટેમ્બરે બહાર પાડેલા પરિપત્ર મુજબ ૧લી ઓક્ટોબરથી સાસણ સફરી પાર્ક અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટના પ્રાણીસંગ્રહાલયો ખોલવા માટે મંજૂરી આપી છે. જયારે ૧૫ ઓક્ટોબરથી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના વન વિભાગના પરિપત્રમાં જણાવ્યા મુજબ સાસણ સફરી પાર્ક, પ્રાણીસંગ્રહાલયો, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ચોક્કસ શરતો અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હીની માર્ગદર્શિકા સહિતને આધીન ચાલુ કરવા મંજૂરી આપવામાં આવી છે. જે અંગે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટના પ્રાણીસંગ્રહાલયોને પણ જાણ કરવામાં આવી છે.
દેશ-વિદેશના પર્યટકોથી ઊભરાયેલા રહેતા સાસણમાં ફરી ધમધમાટ જોવા મળશે. કારણ કે કોરોનાકાળને લઈને લોકડાઉનથી સાસણ સફરી પાર્ક, દેવળિયા પાર્ક બંધ કરવામાં આવ્યા હતા, બાદમાં હાલ ચોમાસાંને લઈને ૧૫ ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન પણ ચાલી રહ્યું છે, ત્યારે સાસણ સફરી પાર્ક પણ શરૂ કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.