રાજકોટઃ સૌરાષ્ટ્રના બે પવિત્ર યાત્રાધામો સોમનાથ અને દ્વારકા વિધર્મી હુમલાના સાક્ષી છે. એમાં દ્વારકા સ્થિત જગતમંદિર પર ૧૯૬૫માં પાકિસ્તાન નેવીએ ‘ઓપરેશન દ્વારકા’ના નામે જોરદાર બોમ્બમારો કર્યો હોવા છતાં આ પ્રાચીન મંદિરની કાંકરી ખરી ન હતી. ૫૦ વર્ષ બાદ ફરી એક વખત પાકિસ્તાને દ્વારકા પર બુરી નજર નાંખી હોવાના કારણે અહીં અભેદ્ય કવચ રચી દેવાયું છે.
ચાર શંકાસ્પદની ધરપકડ
દ્વારકામાં સમુદ્ર કિનારેથી ૧૦થી ૧૫ આતંકી ઘૂસ્યાના એલર્ટને પગલે છઠ્ઠીએ બેટ દ્વારકામાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ચાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. વર્તમાનમાં એલર્ટને પગલે દ્વારકાના ૨૫૭ કિમી લાંબા દરિયા કિનારે ચાંપતો બંદોબસ્ત છે. જગત મંદિરની સુરક્ષા વધારીને એસઆરપીના ૬૦ અને પોલીસના ૩૮ જવાન તૈનાત છે.
દ્વારકા પાકિસ્તાનની જળસીમાથી ૨૦૦ કિલોમીટરના જ અંતરે છે. અગાઉના અનુભવ મુજબ પાકિસ્તાન જાણે છે કે ભારતીય નૌસેના અને વાયુદળ માટે વ્યૂહાત્મક રીતે આ વિસ્તાર અતિમહત્ત્વનો છે. ૧૯૬૫ના યુદ્ધમાં કાશ્મીર સળગતું હતું ત્યારે યુદ્ધ જહાજ બાબર થકી પાકિસ્તાને દ્વારકા ઉપર બોમ્બમારો કર્યો હતો. જેમાં લાઈટ હાઉસ આસપાસ બોમ્બ પડ્યા હતા. જોકે જગતમંદિરને કોઈ જ નુકસાન થયું ન હતું. આમ છતાં પાકિસ્તાન દ્વારા ૮મી સપ્ટેમ્બરને ‘વિજય દિન’ તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૬૫માં દ્વારકામાં ભારતીય રડાર સ્ટેશન હતું. પાકિસ્તાની નૌકાદળની ઇન્ટેલિજન્સ વિંગના ઇનપૂટના આધારે જગતમંદિર અને આ રડાર સ્ટેશનને નિશાન બનાવી બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
આ બોમ્બમારામાં દ્વારકામાં કોઇ જાનહાનિ પણ થઇ ન હોવાથી દર વર્ષે જગત મંદિરમાં કાળિયા ઠાકોરની કૃપાદૃષ્ટિ માટે વિશેષ પૂજન પણ કરવામાં આવે છે. અત્યારે ફરી એક વખત પાકિસ્તાન રઘવાયું બન્યું છે અને દ્વારકા
મંદિર તેના ટાર્ગેટમાં હોવાના અહેવાલ છે.
સોમનાથ મંદિરે પણ સુરક્ષા
ગુજરાતના દરિયામાં દસથી પંદર આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના ઇનપુટ પાંચમીએ ગુપ્તચર વિભાગને મળતાં ગુજરાતને હાઇએલર્ટ કરી દેવાયું છે. સાથોસાથ અરબી સમુદ્રકાંઠે સ્થિત એવા આતંકીઓના હીટલિસ્ટમાં રહેલા સોમનાથની સુરક્ષાને લોખંડી બનાવી હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એસઆરપી જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સાથે સુરક્ષા સંભાળી રહ્યાં છે. તો સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓને કડક ચેકિંગ બાદ પ્રવેશ અપાય છે.