જુનાગઢઃ ગિરનાર પર્વત પર ૧૩મી જાન્યુઆરીએ વહેલી સવારે ૩૪મી અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા માટે રાજ્યના ૨૦ જિલ્લામાંથી કુલ ૧૩૦૩ સ્પર્ધકોની અરજી આવી હતી. સવારે સ્પર્ધા વખતે ૨૨૬ ભાઈઓ તથા ૯૭ બહેનો મળી કુલ ૩૨૩ સપર્ધકો ગેરહાજર રહ્યા હતા. જ્યારે ૭૪૦ ભાઈઓ અને ૨૪૦ બહેનો મળી કુલ ૯૮૦ સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સવારે સાત વાગે ભાઈઓની પ્રથમ ટુકડી ફ્લેગ ઓફ બાદ રવાના થઈ હતી. જ્યારે નવ વાગે બહેનોની ટુકડીને રવાના કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં સિનિયર ભાઈઓના વિભાગમાં જૂનાગઢના અમિત ધીરુભાઈ રાઠોડ એ ૫૮.૧૬ મિનિટમાં ૫૦૦૦ પગથિયા ચડી ઉતરી સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે જુનિયર વિભાગમાં લાલા ચીમનભાઈ પરમારે ૬૧.૪૩ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો.
જ્યારે સિનિયર બહેનોમાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા ભૂમિકાબેન દુર્લભભાઈ ભૂતએ ૪૪.૮૮ મિનિટમાં માળી પરબ સુધીના પગથિયા ચડી ઉતરી પ્રથમ સ્થાન મેળવ્યું હતુ જ્યારે જુનિયર બહેનોમાં ખીરસરા વિદ્યાર્થિની સાયરા ઇબ્રાહીમભાઇ કથુરીયાએ ૪૦.૧૦ મિનિટમાં ૨૨૦૦ પગથિયા ચડી - ઉતરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. સ્પર્ધા પૂર્ણ થયા બાદ બપોરે બાર વાગ્યે મંગલ નાથજી આશ્રમમાં ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો. તેમાં અધિકારીઓ તથા આગેવાનોના હસ્તે વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.