જામનગરઃ સોમવારે જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા દર વર્ષની જેમ સંસ્કૃત પાઠશાળામાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા થઈ હતી. જેમાં ભાઇઓમાં ૬૭ વર્ષીય ભાણવડના આર એન ઝાલાએ નવ લાડુ ખાઇને પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમણે અગાઉ પણ વર્ષ ૨૦૧૨ તેમજ ૨૦૧૩માં પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે જામનગરના ૭૭ વર્ષીય કનકભાઇ ઓઝાએ ૫ લાડુ, ૨૬ વર્ષીય મિલન કુબાવતે ૪ લાડુ ખાધા હતા. ૧૫ વર્ષથી નાની વયજૂથની સ્પર્ધામાં જામનગરના ખેતિયા જીજ્ઞેશે ૪, જાની દર્શન અને જોષી યશે ૩-૩ લાડુ ખાધા હતા. જ્યારે બહેનોમાં પ્રથમ નંબરે આવેલા જામનગરના ૫૪ વર્ષીય ગજેરા પદ્મિનીબહેને ૮ લાડુ, ૪૯ વર્ષીય ભુવા હર્ષાબહેને ૪ અને ૨૧ વર્ષીય ભટ્ટ નેહાબહેને ૩.૫ લાડુ ખાધા હતા.
સ્પર્ધામાં સૌથી વધુ લાડુ આરોગનારને પ્રથમ નંબર મળે છે તેવી રીતે બીજા અને ત્રીજા ક્રમે પણ ઈનામ આપવામાં આવે છે. ગયા વર્ષે તો રાજકોટના હરભોલે ગ્રૂપના તમામ સભ્યોએ પણ ભાગ લીધો હતો. આ વખતે કુલ ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેવું ટ્રસ્ટના સેક્રેટરી આનંદ દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું.
એક લાડુનું વજન ૧૦૦ ગ્રામ હોય છે
સ્પર્ધા માટેના ૧૦૦ ગ્રામના લાડુમાં ચણાનો લોટ, દૂધ, ઘી, જાયફળ, જાવંત્રી વગેરેનો ઉપયોગ થાય છે. સ્પર્ધામાં ૧૫ વર્ષથી નાના અને મોટા એમ બે ભાગ હોય છે અને બહેનોનું ગ્રૂપ પણ હોય છે.
લાડુ આરોગવામાં વૃદ્ધો મોખરે
દર વર્ષે સ્પર્ધામાં વૃદ્ધો મેદાન મારી જાય છે. વર્ષ ૨૦૧૪માં કનકભાઈ ઓઝા નામના ૭૨ વર્ષીય વૃદ્ધ ૧૬ લાડુ આરોગીને પ્રથમ ક્રમે આવ્યા હતા. ગત વર્ષે રાજકોટ જિલ્લાના ગૃહસ્થે ૧૬ લાડુ ખાઇને રેકર્ડ બનાવ્યો હતો.