ભાવનગરઃ બાળક એકાદ વર્ષે ચાલતા શીખી જાય પરંતુ એક છોકરો એવો છે કે જે પોતાની માનસિક વિકલાંગતાના કારણે છેક ૭ વર્ષે ચાલતા શીખ્યો, પરંતુ ત્યારબાદ એવો ચાલ્યો છે કે ભારત દેશને બ્રોન્ઝ મેડલ અપાવી દીધો છે. વાત છે ભાવનગરના ચિરાગ ભરતભાઈ ચાવડાની. ચિરાગ હાલમાં અંધશાળામાં સંમિલિત શિક્ષણ યોજનામાં ધો.૧૨માં અભ્યાસ કરે છે. તાજેતરમાં નાગરિક બેંક દ્વારા યોજાયેલા પ્રતિભા સંપન્નોના સન્માન સમારોહમાં તેને નવાજવામાં આવ્યો હતો.
ચિરાગને જન્મ પછીના ૬ મહિના સુધી કોઈ તકલીફ પણ નહોતી. પરંતુ ત્યારબાદ અચાનક તેને તાવ આવવાથી આંચકીઓ ઉપડી અને મગજ ઉપર અસર થવાથી તે માનસિક વિકલાંગતાનો ભોગ બન્યો હતો. માંડ ૭ વર્ષે તેને ચાલતા આવડ્યું. જોકે પછીથી સતત વિકાસ કરીને વોલિબોલના ખેલાડી તરીકે સ્પેશિયલ ઓિલમ્પિકમાં ભારતની ટીમમાં તેણે સ્થાન મેળવ્યું હતું અને ગયા વર્ષે પોતાના સિંહફાળથી અમેરિકાના લોસ એન્જેલેસમાં રમાયેલી ટુર્નામેન્ટમાં ટીમને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. યશવંતરાય નાટ્યગૃહમાં તાજેતરમાં યોજાયેલા પ્રોગ્રામમાં નેતા શક્તિસિંહ ગોહિલના હસ્તે તેનું સન્માન કરાયું હતું.