૭૦ વર્ષના બ્રેઇન ડેડ દેવકુંવરબાનાં અંગદાનથી ૪ વ્યક્તિઓનાં જીવનમાં પ્રકાશ પથરાયો

Wednesday 22nd March 2017 07:59 EDT
 

ભાવનગરઃ ૭૦ વર્ષીય બ્રેઇન ડેડ દેવકુંવરબહેન છગનભાઈ કાકડિયાના અંગોના દાનથી ચાર વ્યક્તિનાં જીવનમાં પ્રકાશ ફેલાયો છે. દેવકુંવરબહેનને ૧૮મીએ તેમનાં ઘરે રાત્રિના સાડા નવ કલાકે ઉલટી થતાં અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહાવીર ટ્રોમામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સિટી સ્કેન કરતાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયાનું નિદાન થયું. ૧૯મી માર્ચે ન્યુરોસર્જન ડો. હસમુખ સોજીત્રા અને ન્યુરોફિઝિશિયન મનો સત્યવાણીએ દેવકુંવરબહેનને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. વલ્લભીપુરવાળા રમેશભાઈ વઘાસિયાએ ડોનેટ લાઇફ સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ માંડલેવાળાનો સંપર્ક કરતાં દેવકુંવરબહેનના બ્રેઇન ડેડ અંગેની માહિતી આપી હતી.
ડોનેટ લાઇફ ટીમે હોસ્પિટલે પહોંચીને પરિવારજનોને બાના અંગદાન માટે જાગૃત કર્યાં હતાં. બ્રેઇન ડેડ દેવકુંવરબહેનના પતિ છગનભાઈ, તેમનાં પુત્રો મુકેશ, વિકાસ સહિત પરિવારનાં અન્ય સભ્યોએ દેવકુંવરબહેનના અંગોનાં દાન માટે મંજૂરી આપી હતી.
દેવકુંવરબહેનની દાનમાં મળેલી બંને કિડની રાજકોટનાં રહેવાસી દિલિભાઈ વિરમભાઈ બોડા (ઉ. વ. ૫૩) માં અને લીવર ભાવનગરના રહેવાસી વસંતભાઈ દેવજીભાઈ (ઉ. વ. ૪૩)માં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેમની આંખોનું પણ દાન કરાયું હતું. બન્ને ચક્ષુઓ સુરતની લોકદૃષ્ટિ ચક્ષુબેંકનાં ડો. પ્રફુલ્લભાઈ શિરોયાએ સ્વીકાર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter