પોરબંદરઃ કાટવાણા ગામે રહેતી શોભના તેના સિત્તેર વર્ષીય ગરીબ દાદીમા પાસે ઉછરી રહી છે. શોભનાની માતા બાળકીના જન્મના ૧૫ જ દિવસમાં પ્રસૂતિ પછીની બીમારી લાગુ થવાથી મૃત્યુ પામી હતી. શોભનાના જન્મ (૧-૪-૨૦૧૩)ના બે મહિના બાદ તેના પિતા મેરુભાઈ વારંગિયાનું પણ મૃત્યુ થયું હતું. શોભનાને અત્યારે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. શોભનાના દાદીમાએ કોઈપણ ભોગે શોભનાને પગભર કરવા અને સમાજમાં મક્કમ મને જીવન જીવાડવાનો સંકલ્પ કર્યો છે. હવે શોભનાના દાદીમાનો સરકારે પણ પૂરેપૂરો સાથે આપ્યો છે.
જિલ્લા વહિવટીતંત્ર, સમાજ સુરક્ષા અને બાળસુરક્ષા તંત્ર અને પ્રાથમિક શિક્ષણ તંત્રએ છેવાડાના વિસ્તારમાં સર્વે કરીને શોભનાને રાઈટ ઓફ એજ્યુકેશન (આરટીઈ) કાયદા અંતર્ગત ધોરણ-૧માં ખાનગી શાળામાં પ્રવેશ અપાવ્યો છે અને શોભના સ્કૂલે જવા લાગી છે.
જિલ્લા બાળસુરક્ષા તંત્રે શોભનાની માહિતી કાટવણા ગામે જઈને મેળવી હતી. સરકારની ‘પાલક માતા-પિતા યોજના’ વિશે શોભનાના દાદીમાને જાણ કરી હતી અને શોભનાને ધો.૧માં પ્રવેશ અપાવ્યો હતો.
જિલ્લાના કલેકટર મુકેશ પંડ્યાએ શોભના માટે પાલક માતા-પિતા યોજના અંતર્ગત દર મહિને રૂ. ૩ હજારની સહાય પણ મંજૂર કરી હતી.