વાંકાનેરના વતની અને લંડનવાસી ડેન્ટીસ્ટ ડો. ભાનુબહેન રમણિકભાઈ મહેતાએ ટાન્ઝાનિયામાં આવેલું આફ્રિકાનું સૌથી ઊંચું શિખર કિલીમાંજારો સર કર્યું છે. તેમના પતિ રમણિકભાઈ એનેસ્થેટીસ્ટ છે. મહેતા દંપતી દ્વારા અનેક સેવા કાર્યો થઇ રહ્યા છે. વાંકાનેરમાં જન્મેલા ડો. ભાનુબહેન દ્વારા ગુજરાતને અંધત્વમુક્ત કરવા માટે વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ૭૨ વર્ષીય ડો. ભાનુબહેને એક વર્ષ અગાઉ આ સાહસિક પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના ભાગરૂપે તેમણે લંડનમાં સાત-આઠ મહિના સુધી સખત તાલીમ લીધી હતી. ૨ ફેબ્રુઆરીના રોજ તેમણે સાથીદારો સાથે કિલીમાંજારો શિખર પર ચઢાણ શરૂ કર્યું હતું અને ૯ ફેબ્રુઆરીએ છેલ્લા દિવસે સમુદ્ર સપાટીથી ૨૦ હજાર ફૂટની વધુ ઊંચાઈ ધરાવતાં શિખરની ટોચ પર પહોંચ્યાં હતાં. દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લલિતભાઈ મહેતા, અનંતભાઈ મહેતા, મનહરભાઈ મહેતા, મેનેજર ધવલભાઈ કરથિયા અને તબીબોએ ડો. ભાનુબહેનને અભિનંદન પાઠવ્યા હતા.