ડોળાસા: કોડીનાર તાલુકાના અરીઠીયા ગામની પ્રાથમિક શાળામાં નિલેશ અભેસિંહ ભાલીયા ધો.૩માં અને જયરાજ અજીતભાઈ ગોહિલ ધો. ૨માં અભ્યાસ કરે છે. ૨૩ સપ્ટેમ્બરે સાંજના ૬થી ૭ની વચ્ચે આ બન્ને બાળકો ઘરનાં ફળિયામાં રમતાં હતાં ત્યારે અચાનક ત્યાં દીપડો આવી ચડ્યો હતો અને દીપડાએ નિલેશને મોઢામાં જકડી લીધો હતો. જયરાજે આ જોયું અને પોતાની આત્મસૂઝથી તુરંત જ એક પથ્થર ઉપાડીને દીપડાનાં મ્હોં પર ફેંક્યો હતો. જોકે પથ્થર વાગવા છતાં પણ દીપડાએ નિલેશને સકંજામાંથી છોડ્યો ન હતો. આથી જે રમકડાંની ગાડીથી બંને મિત્રો રમી રહ્યા હતા તે ગાડી જ ઉપાડી જયરાજે દીપડા પર ફેંકી. ગાડીનો વિચિત્ર અવાજ થતાં દીપડાએ નિલેશ પર પકડ ઢીલી કરીને જયરાજે નિલેશને ખેંચી લીધો. બીજી તરફ વિચિત્ર અવાજના થવાથી દીપડો નાસી ગયો હતો.
આ વાત આખા ગામમાં પ્રસરી જતાં લોકો નવાઈ પામી ગયા હતા. શાળામાં આ વાતની જાણ થતાં આચાર્ય અને શિક્ષકોએ તેની હિંમતને બિરદાવી અભિનંદન પાઠવ્યાં હતાં.
એવોર્ડ મળવો જોઈએ
દીપડાનો અત્યંત હિંમતપૂર્વક સામનો કરનારા સાહસિક બાળક જયરાજને સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવે એવી આચાર્યએ રજૂઆત કરી છે.