રાજકોટઃ કર્ણાટકના ગવર્નર વજુભાઈવાળા ૧૭ ઓગસ્ટે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા. એ સમયે તેમને કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ-૩૭૦ અને ૩૫-એ વિશે પુછાતાં તેમણે જવાબ આપ્યો હતો કે આ તો હજી અડધું કામ થયું છે. પૂરું કામ કરવાનું તો હજી બાકી છે.
વજુભાઈનો ઇશારો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) તરફ હતો એ સમજી શકાય એમ હતું. તેઓ કહેવા એમ માગતા હતા કે અડધું કાશ્મીર સાચા અર્થમાં આપણું થઈ ગયું, પણ બાકીનું કાશ્મીર પાકિસ્તાન પાસેથી લેવાનું હજી બાકી છે.
અડધા બાકીના કામની વાત કરીને વજુભાઈએ હસતાં-હસતાં કહ્યું હતું કે, કાશ્મીરનું અડધું બાકીનું કામ આપણા હાથે જ પૂરું થવાનું છે. બદરીનાથ-કેદારનાથ બેઠા છે. મને તેમના પર અતૂટ શ્રદ્ધા છે.
મજાની વાત એ છે કે વજુભાઈએ વાતને એવી રીતે ફેરવીને રજૂ કરી કે મનમાં શંકા જન્મે કે તેઓ બદરીનાથ-કેદારનાથની જ વાત કરી રહ્યા છે કે ભાજપની અતૂટ જોડી બની ગયેલા નરેન્દ્ર મોદી-અમિત શાહની વાત કરે છે?
આ વાતની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ વજુભાઈએ જવાબ આપવાને બદલે હસી કાઢ્યું હતું.