રાજકોટઃ રાજ્યમાં ૧૬૦૦ કિલોમીટરના સાગરકાંઠા ઉપર બ્લ્યુ રિવોલ્યુશન અને ખાનગી બંદરને પ્રોત્સાહનની જાહેરાતો વચ્ચે ભારતના એક સમયના ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ સમાન સૌરાષ્ટ્રના ઓખા બંદરને બંધ કરી દેવાતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ગાયકવાડના સમયના આ ધીકતા બંદરને બંધ કરાતા ૧ અબજની રેવન્યુનો સીધો ફટકો પડે તેમ છે. કોલસા અને બોકસાઈટના પરિવહનથી ધમધમતા ઓખા બંદરને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના વાયુ પ્રદૂષણ અંગેના રિપોર્ટના પગલે બંધ કરતા અહી રોજગારી ઉપર પણ પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે.
પી.સી.બી.એ ૧૧ મુદ્દા ટાંકી પ્રશ્નો ઊભા કરતા ગુજરાત મેરિટાઈમે ક્લોઝર નોટિસ આપી દીધી છે, પરંતુ બંદરીય તજજ્ઞો માને છે કે ૧૦૦ કરોડની રેવન્યૂ આપતા બંદરને બંધ કરવાને બદલે નીતિ નિયમોના પાલન માટે સરકારે પગલા લેવાની જરૂર હતી. આ પૂર્વે નવલખી બંદર પણ આ જ રીતે બંધ કરી દેવાયું હતું. રાજ્યમાં સરકાર ખાનગી બંદરોને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે ગાયકવાડના સમયના આ બંદરનું રિનોવેશન કરવાને બદલે તેનો મૃત્યુઘંટ
વગાડાતા લોકોને આંચકો લાગ્યો છે.