ભાવનગરઃ ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં ગંભીર અકસ્માત બાદ સારવાર માટે દાખલ થયેલા મૂળ મહુવાના ૨૫ વર્ષીય યુવાન રાજુભાઇ ધાપાનું બ્રેઈનડેડ થયાની ૧૬મી નવેમ્બરે રાત્રે તબીબોએ જાણકારી આપી હતી. એ પછી યુવાનના કુટુંબીજનોને સ્થાનિક તબીબોની ટીમે યુવાનના અંગદાન માટે સમજાવ્યા હતા. યુવાનના અંગદાન માટે તેના પરિવારની મંજૂરી મળ્યા પછી યુવાનના લીવર, કિડની અને હાર્ટનું દાન કરાયું છે. ભાવનગર જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં અંગદાનનો આ સૌ પ્રથમ કિસ્સો બન્યો છે. ગુજરાત સરકારના ઓર્ગન ડોનેશનમાં કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા ડો. રાજેન્દ્ર કાબરિયાએ જણાવ્યું કે, યુવાનનો પરિવાર અંગદાન માટે રાજી થતાં અમે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કર્યો. મુંબઇની ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ એક દર્દી માટે રાજુના હૃદયને ભાવનગરથી ચાર્ટર પ્લેનમાં મુંબઈ લઈ જવામાં આવ્યું.. ભાવનગરની પાનવાડીમાં આવેલી બજરંગ દાસ હોસ્પિટલથી ગ્રીન કોરીડોર રચી તત્કાલ હૃદય એરપોર્ટ પહોંચાડાયું હતું. મિનિટોમાં હૃદય મુંબઇ પહોંચ્યું અને ઓપરેશન બાદ દર્દીને નવજીવન મળ્યું. આ ઉપરાંત રાજુભાઇના કિડની અને લીવર પણ દાન કરાયા છે અને તે અમદાવાદની કિડની હોસ્પિટલમાં અપાયા છે.