જામનગરઃ ગુજરાતના અગ્રણી કાર્ટુનિસ્ટ અને ‘ગુજરાત સમાચાર’ પરિવારના સભ્ય એવા ‘જામી’નું ૧૧ જુલાઇના રોજ જામનગરમાં નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. ‘જામી’ એક સપ્તાહથી બીમાર હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કલમ અને પીંછીના લસરકા વડે ધારદાર વ્યંગ કરીને વર્ષોથી વાચકોને મરકાવતા રહેલા ‘જામી’ એક દસકા કરતાં પણ વધુ સમયથી ‘ગુજરાત સમાચાર’ સાથે જોડાયેલા હતા. ‘જામી નજરે’ કોલમ અંતર્ગત પ્રકાશિત થતાં તેમના વ્યંગચિત્રોએ વાચકોની ભરપૂર પ્રશંસા મેળવી હતી. ‘જામી’ના નિધન સાથે એક ગુજરાતી કાર્ટૂનના એક યુગનો અંત આવ્યો છે. કાર્ટુનિસ્ટ તરીકેની દીર્ઘ કારકિર્દી દરમિયાન તેઓ ગુજરાતના શ્રેષ્ઠ હાસ્યલેખક સહિત અનેક પારિતોષિકોથી સન્માનિત થયા હતા.
ઉલ્લેખનીય છે કે ‘જામી’ને પાંચ વર્ષ અગાઉ હાર્ટ એટેક આવ્યો હતો. તે સમયે ડોક્ટર્સે તેમને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ હતી, પણ તેઓ એ માટે રાજી થયા નહોતા. તાજેતરમાં ફરી તબિયત નરમ બનતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને સંતાનમાં બે પુત્રો - જાહિદ અને સાજિદ છે.
સાડા ચાર દસકાની કારકિર્દી
મોરબી સ્ટેટમાં ફરજ બજાવતા હસનબિન અહમદ જામીના પ્રથમ સંતાન તરીકે બીજી ડિસેમ્બર ૧૯૪૨ના રોજ જામનગર જિલ્લાના ધ્રોળ ખાતે એમનો જન્મ થયો હતો. વાચકોમાં માત્ર ‘જામી’ના નામે જાણીતા કાર્ટૂનિસ્ટ આવદબિન હસન જામીનું આખું નામ નજીકના વર્તુળો કે અભ્યાસુઓ સિવાય ભાગ્યે જ કોઈને ખબર હશે. ચાર ભાઈઓમાં તેઓ મોભી હતા. એ. એચ. જામીએ ડીટીસીનો અભ્યાસ કર્યા બાદ જામનગર ખાતે સંરક્ષણ દળની સેન્ટ્રલ સ્કૂલમાં કલાશિક્ષક તરીકે જોડાયા અને ૨૦૦૪માં નિવૃત્ત થયા બાદ જામનગરમાં જ સ્થાયી થયા હતા. તેમનું પ્રથમ કાર્ટૂન અંદાજે ૪૫ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયું હતું. આ પછી તેઓ નિયમિતપણે વિવિધ અખબાર માટે કાર્ટૂન બનાવતાં રહ્યાં.
સરળ - નિખાલસ સ્વભાવ
ખૂબ જ સરળ, નિખાલસ અને માયાળુ સ્વભાવના ‘જામી’ની વાતોમાં પણ સૌરાષ્ટ્રની તળપદી રમૂજના રંગો દેખાયા વિના રહેતા નહીં. તેમનું દરેક કાર્ટૂન વ્યંગબાણ કે ચાબખો જ હતું. છતાં સાડા ચાર દાયકાની કાર્ટૂનિસ્ટ તરીકેની કારકિર્દીમાં તેઓ ક્યારેક કોઈ વિવાદમાં સપડાયાં નથી. આમ છતાં બહોળી પ્રસિદ્ધિ અને લાખો વાચકોના દિલોદિમાગમાં સ્થાન મેળવ્યું એ જ એમની સફળતા સૂચવે છે.
કળા પ્રત્યે સમર્પણ ભાવ
‘જામી’ના સૌથી નાના ભાઈ મોહમ્મદબિન હસન જામીના જણાવ્યા મુજબ અંતિમ શ્વાસ સુધી તેઓ કાર્ટૂન મોકલવાની ડેડલાઈનની ચિંતા કરતાં હતાં. આ એમનો કાર્ટૂનકળા પ્રત્યેનો સમર્પણભાવ હતો. કાર્ટૂનિસ્ટ તરીકેની સફર દરમિયાન એમણે રાજકીય અને સામાજિક વિષયો પર હજારો કાર્ટૂનો બનાવ્યા હતા. વેધક પંચલાઈન માટે તેઓ ખૂબ જાણીતા હતા. કોઈ પણ નાના-મોટા અખબાર મેગેઝીનના તંત્રીને તેઓ કદી નિરાશ કરતાં નહીં. તેઓ કામ માટે કોઈ દિવસ ના પાડતાં નહીં.
‘જામી’નો અફસોસ
થોડા સમય પૂર્વે એક ઈન્ટરવ્યુમાં કાર્ટૂનિસ્ટ જામીએ મૂંઝારો વ્યક્ત કરતાં કહેલું કે, જે અચ્છો કલાકાર હોય અને જેમનામાં પત્રકારત્વની નજર હોય એ જ કાર્ટૂનિસ્ટ બની શકે, પણ કમનસીબે કાર્ટૂનિસ્ટને કોઈ પત્રકાર ગણતું નથી. કહો કે ગણવા નથી માંગતા. મને જે એવોર્ડ અપાયો એ હાસ્યલેખકની શ્રેણીમાં અપાયો, હકીકતે તો કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી, કાર્ટૂન ક્યારેક રડાવી પણ જાય છે.
જૂની પેઢીના અંતિમ કાર્ટૂનિસ્ટ ‘જામી’ની વિદાય સાથે અહીં ગુજરાતી કાર્ટૂનના એક યુગનો અંત થાય છે અને ભવિષ્ય ખૂબ અંધકારમય છે. હાલમાં ગુજરાતી મીડિયામાં બે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ કાર્ટૂનિસ્ટો સક્રિય હશે.