ભાવનગરઃ મ્યનિસિપલ કોર્પોરેશનમાં મેયરપદ ન મળતા કાળિયાબીડ વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના નગરસેવિકા વર્ષાબા પરમાર ધ્રુસકે ધ્રુસકે રોઈ પડયા હતા. પોતાના બદલે મેયરપદ માટે કિર્તીબહેન દાણિઘરિયાનું નામ જાહેર થતા ‘મારું નામ છેક સુધી ફાઈનલ હતું, જીતુ વાઘાણીએ જ કાપ્યું છે’ તેવા આક્ષેપ સાથે ભાજપમાંથી રાજીનામું આપવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
ભાવનગર કોર્પોરેશનમાં મહત્વના હોદ્દાઓ માટે સ્થાનિક ધારાસભ્યો વચ્ચે ભાગબટાઈ ચાલી હોય એમ ભાજપના પુર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના મતક્ષેત્રમાંથી મેયરના પદ માટે કિર્તીબહેનને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્ય કક્ષાના પ્રધાન વિભાવરીબહેન દવેના મતક્ષેત્રમાંથી ચુંટાયેલા કુણાલ શાહને ડેપ્યુટી મેયરપદ મળ્યુ છે. આમ સ્થાનિક ભાજપમાં ચૂંટાયેલા અનેક નગરસેવકોમાં અસંતોષ વ્યાપ્યો છે.
આ વખતે મેયરનું પદ મહિલા માટે અનામત હોવાથી કાળિયાબીડ વોર્ડમાંથી ચૂંટાયેલા વર્ષાબા પરમારનું નામ પહેલાથી ચર્ચામાં હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વના હોદ્દાઓ માટે ચૂંટણી પરિણામો જાહેર થયા ત્યારથી જ જુદા જુદા નામોની ચર્ચાઓ વહેતી થઈ હતી. આમાં વર્ષાબાનું સતત મોખરે હતું. જોકે સારાને નહિ, મારાને લેવા ચાલતી ખેંચતાણ વચ્ચે મેયરપદ માટે મેયર પદે કિર્તીબેન દાણિધારિયાનું નામ જાહેર થતા કાળિયાબીડ વોર્ડમાંથી ચૂંટાયેલા વર્ષાબા પરમાર ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા અને રાજીનામુ આપી દેવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી.