અમદાવાદઃ રાજકોટની જ્યોતિ CNCને PM કેર્સ ફંડમાંથી પડતી મૂકવામાં આવી હોવાનો ખુલાસો RTIના જવાબમાં થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાતોએ મે મહિનામાં જ રાજકોટની કંપનીનાં ‘ધમણ’ નિષ્ફળ હોવાની નોંધ સરકારી રેકર્ડ પર મૂક્યા પછી ગુજરાત સરકારે આ વેન્ટિલેટરના ઉત્પાદક રાજકોટની કંપની જ્યોતિ CNCને બચાવવા આકાશ પાતાળ એક કર્યું હતું. એ જ કંપનીના વિવાદાસ્પદ વેન્ટિલેટર ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ક્લિનિકલ ટ્રાયલમાં ફેઈલ ગયા છે.
કોરોના મહામારીના કપરા કાળમાં અર્થોપાર્જનની નવી તક શોધવા રાજકોટની કંપનીના ઉતાવળિયા પ્રયાસોને વખોડાયા છે. આ ઉપરાંત તદ્દન બિનઅનુભવી કંપનીને રાજ્ય સરકારના ખુલ્લેઆમ સમર્થનથી ગુજરાત મોડલની આબરૂને પણ ધક્કો પહોંચ્યો છે. પુડુચેરી, મહારાષ્ટ્ર જેવા બીજા રાજ્યો તેમજ વિશ્વના અનેક દેશોમાં વેન્ટિલેટરના ઓર્ડર લઈ ચૂકેલી જ્યોતિ CNCના ધમણ વેન્ટિલેટરના બચાવમાં ગુજરાત સરકારના અધિકારી-પદાધિકારીઓ પોતાના જ ડોક્ટર્સ, મેડિકલ ડિવાઈસિસ એક્સપર્ટને ખોટા સાબિત કરવા મેદાને ઉતાર્યાં હતાં. આથી, ગુજરાત સરકારે ૧૫-૨૦ દિવસ સુધી જેના સમર્થનમાં દાવા- દલીલો કરી હતી તે ‘ધમણ’ દિલ્હીમાં હાંફી ગયું છે.
ભારત સરકારે ભારતમાં જ સ્વદેશી બનાવટના વેન્ટિલેટરને પ્રોત્સાહન આપવા PM કેર્સ દ્વારા અનેક ઉત્પાદક કંપનીઓને ભંડોળ પૂરું પાડયું હતું. RTI એક્ટિવિસ્ટ અંજલી ભારદ્વાજે માગેલી માહિતીમાં જણાવાયું છે કે, PM કેર્સ ભંડોળની ફાળવણી કરવામાં આવી ત્યારે જ્યોતિ CNC ઓટોમેશન અને આંધ્ર પ્રદેશની મેડટેક ઝોન (AMTZ) એમ બે કંપનીઓને રૂ. ૨૨.૫૦ કરોડ એડવાન્સ પેમેન્ટ તરીકે અપાયા હતા. જોકે, આ બેઉ કંપનીઓને જુલાઈ મહિનામાં જ ભારત સરકારની યાદીમાંથી પડતી મૂકવામાં આવી છે.
અગાઉ ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ (DGHS)ના વડપણ હેઠળ રચેયેલી ટેકનિકલ ક્લિનિકલ કમિટીએ ઉપરોક્ત બંને કંપનીઓના વેન્ટિલેટરની ખરીદીની ભલામણ કરી હતી. જોકે, ૨૦મી જુલાઈ પછીની યાદીમાં આ બેઉ કંપનીઓ ઉપર ચોકડી મારી દેવાઈ હતી. કારણ કે, આ કંપનીઓ દ્વારા તૈયાર થયેલા વેન્ટિલેટર ક્લિનિકલ ટ્રાયલમાં જ નિષ્ફળ નિવડયા છે.
રૂ. ૮ કરોડ એડવાન્સ લેવાયા
ગુજરાતમાં જ્યોતિ CNCએ પહેલું ‘ધમણ’ વેન્ટિલેટર અમદાવાદ સિવિલમાં મૂક્યા બાદ ગુજરાત સરકારે આ કંપનીને બીજા ૧૦૦૦ વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો હતો. બાદમાં, ૧૩મી મેના રોજ PM કેર્સ ફંડ દ્વારા પણ સ્વદેશી વેન્ટિલેટર માટે ભંડોળની ફાળવણી કરવાનું જાહેર થયું હતું. કોરોના સામે માનવજાતને બચાવવાના નામે રૂ. ૫૦ હજાર મેડ ઈન ઈન્ડિયા વેન્ટિલેટર ખરીદવા રૂ. બે હજાર કરોડની ફાળવણી પણ થઈ હતી. રાજકોટની જ્યોતિ CNCએ ગુજરાત સરકારના અધિકારી- પદાધિકારીઓના મોંઢે ‘ધમણ’ વેન્ટિલેટરની વાહવાહી કરાવીને PM કેર્સ ફંડમાંથી રૂ. આઠ કરોડ એડવાન્સ પેટે પણ લઈ લીધા હતા.