જૂનાગઢઃ ગુજરાતમાં જૂનાગઢથી ચૂંટણી પ્રચારસભા સાથે રણટંકાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે દેશને લૂંટનારા તત્ત્વોને પાંચ વર્ષમાં મેં જેલના સળિયાની નજીક લાવી દીધા છે. હવે એમને જેલની અંદર કરી દઈશ. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે છ માસમાં તિજોરી સાફ કરી નાખી. કોંગ્રેસે ગરીબ પરિવારોની ગર્ભવતી મહિલાઓ, બાળકો માટેના પૈસા લૂટીને પોતાની તિજોરી ભરી છે. એ જોતા હવે હિંદુસ્તાનને બચાવવાનું છે.
ગુજરાતમાં ૧૦ એપ્રિલે પહેલી ચૂંટણી સભા સંબોધતાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સામે ભાગલાવાદને ઉત્તેજન આપવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ કાશ્મીરમાં બીજા વડા પ્રધાન હોય તેવી અલગાવવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. ગુજરાત પ્રત્યે નેહરુને નફરત હતી. સરદાર પટેલ અને મોરારજી દેસાઈને થયેલા અન્યાયનો ઇતિહાસ ગવાહ છે. હવે એક ચાવાળો તેમનાથી સહન નથી થતો.
ગુજરાતવિરોધી લોકોની ડિપોઝિટ ડૂલ કરી દેવાની હાકલ કરતા તેમણે કહ્યું કે આવા લોકો માથું ન ઊંચકે તે જરૂરી છે.
સૌરાષ્ટ્રમાં સભા સંબોધ્યા બાદ દક્ષિણ ગુજરાતના સોનગઢ પહોંચેલા વડા પ્રધાને હજારો આદિવાસીઓની જંગી જાહેરસભાને સંબોધતા દેશની એકતા અને અખંડતા માટે ભાજપને મત આપવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછી કોંગ્રેસે સરદાર વલ્લભભાઇ પટેલનો રસ્તો છોડી દીધો છે.
જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં વડા પ્રધાને કહ્યું કે તમે જ્યારે મને દેશના ચોકીદાર તરીકે અહીંથી મોકલ્યો હતો, તેના પાંચ વર્ષ બાદ પણ અમારા પર ભ્રષ્ટાચારનો કોઈ દાગ લાગ્યો નથી, પણ મધ્ય પ્રદેશમાં સરકાર બની તો કોંગ્રેસે ૬ માસમાં તે લોકોની તિજોરી તળિયાઝાટક કરી નાખી છે. હવે કર્ણાટક બાદ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે એટીએમ બનાવ્યું છે. કોંગ્રેસે પૈસા લૂંટવાનું જ કામ કર્યું છે.
તક આપી તો તુઘલખ રોડ કૌભાંડ
મોદીએ જણાવ્યું હતું કે તેઓ કહેતા હતા કે ચોકીદાર ચોર છે પણ પૈસા તો ભોપાલમાં કોંગ્રેસવાળા પાસેથી નીકળે છે. એ પણ થેલા ભરી ભરીને. ૧૫ વર્ષ પછી મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને માંડ માંડ મોકો મળ્યો ત્યારે પંદર જ દિવસમાં જૂની ટેવ શરૂ કરી દીધી. આવી લૂંટ ચલાવનારાઓને દિલ્હીની ગાડી પર બેસવા નહી દેવાય. તુઘલખ રોડ ચૂંટણી ચંદા ગોટાળો હવે ઇતિહાસમાં રજિસ્ટર થઇ ગયો છે. તુઘલખ રોડ પર કોણ રહે છે તે જગજાહેર છે. આવા લોકોને પ્રજા ચૂંટણીમાં જવાબ આપશે. મોદીએે કહ્યું કે નવી સરકારની રચના બાદ પહેલું કામ પાણી માટે અલગ મંત્રાલય બનાવવાનું કરવામાં આવશે.
એક નામ બતાવો જે માથું મૂકવા તૈયાર હોય...
વડા પ્રધાને જણાવ્યું હતું કે આતંકવાદ અને ભ્રષ્ટાચાર દેશનું કેન્સર છે. આતંકવાદ કોંગ્રેસના જમાનામાં વકર્યો, પરંતુ તેઓ કોઇ કાર્યવાહી કરી શકયા નહીં. ભાજપ સરકારે પાંચ વર્ષમાં કઠોર કાર્યવાહી કરી. આતંકવાદને મારવાનો કાર્યક્રમ અધવચ્ચેથી બંધ નહીં કરી શકાય. તેને પૂરો કરવો પડશે. મારા સિવાય આ કામ કોણ કરી શકશે? આખા દેશમાં એક નામ બતાવો જે માથું મૂકી નીકળવા તૈયાર હોય. પાકિસ્તાનને સીધો કરનારનું એક જ નામ છે, મોદી. કોંગ્રેસ અને વિપક્ષ મોદી હટાવવાની વાતો કરે છે જયારે મોદી આતંક અને ગરીબી હટાવવાની વાતો કરે છે.