મુંબઈઃ ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ આઈએએનએસ ‘વિરાટ’ મુંબઈના નેવલ ડોકયાર્ડથી ભાવનગર પાસેના અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં વિસર્જન પામવા રવાના થઈ ચૂક્યું છે. નૌકાદળમાં ૩ દાયકા સુધી કામગીરી કરનારા જહાજને ૨૦૧૭માં સેવાનિવૃત્ત કરવામાં આવ્યું હતું. વિરાટ ભારતીય નૌકાદળનું એઆઈએનએસ વિક્રાંત બાદ બીજું વિમાનવાહક જહાજ છે. સોશિયલ મીડિયાના સહારે આ જહાજને ભાંગી જતું અટકાવવા પ્રયાસ શરૂ થયા છે. ભાજપના સાંસદ રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં ટ્વિટ કરી હતી કે, આ જહાજ બચાવવા માટે ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ ટાટા, અંબાણી, મહિન્દ્રા, કોટક કે પછી અગ્રણી ટેકનોલોજી કંપનીઓ આગળ કેમ નથી આવતી? એ પછી વિરાટને બચાવવા માટે અનેક ટ્વિટ થઈ હતી. નૌકાદળ અને આર્મ્ડ ફોર્સિસના જવાનોએ પણ આ ઝુંબેશને ટેકો આપ્યો હતો. આ જહાજ ભાવનગરમાં આવેલી કંપનીએ રૂ. ૩૯ કરોડ જેવી રકમમાં ખરીદ્યું છે. એ રકમ ભારતના કોઈ ઉદ્યોગપતિઓ માટે મોટી નથી.
નેવીના પહેલવહેલા એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતને સેવાનિવૃત્ત કરવામાં આવ્યા પછી સંગ્રહાલયમાં ફેરવવાનો વિચાર કરાયો હતો, પણ એ માટે કોઈ આગળ ન આવતાં છેવટે મુંબઈના દારૂખાનાના ભંગાર વાટે મોકલવામાં આવ્યું હતું. આવી જ રીતે આ બીજા વિમાનવાહક જહાજ વિરાટને જહાજ ભાગંવાનો કામગીરી માટે પંકાયેલા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જહાજને તરતાં મ્યુઝિયમમાં ફેરવી દેવાય તો મુલાકાતીઓને નૌકાદળની કામગીરી, જહાજની ભવ્યતા, જહાજ પરની નૌકાદળના કર્મચારીઓની મુશ્કેલીભરી જિંદગી વગેરેનો ખ્યાલ આવી શકે. વિરાટનું વજન ૨૮ હજાર ટન છે અને તેનું બોઈલર ૮૦ હજાર કલાક સુધી ચાલુ રહી શકે છે.