ભાવનગર: અનેક વિવાદોથી ઘેરાયેલું ઐતિહાસિક યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટ હાલ અલંગમાં ૩૦ ટકા કપાઇ ચૂક્યું છે અને સંપૂર્ણપણે કપાતા હજુ વધુ ૯ માસનો સમય લાગશે તેમ જહાજના અંતિમ માલિકે જણાવ્યું હતું. જુલાઇ-૨૦૨૦માં ૩૮.૫૪ કરોડ રૂપિયામાં ઓનલાઇન હરાજીમાંથી ભારતનું ઐતિહાસિક અને સૌથી જૂનુ યુદ્ધ જહાજ અલંગના શ્રીરામ ગ્રૂપ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર-૨૦૨૦માં જહાજને અલંગના પ્લોટ નં.૯માં ખસેડવામાં આવ્યું હતું. જહાજ અલંગમાં આવી ગયા બાદ પણ વિવાદોથી ઘેરાયેલું રહ્યું હતું.
મુંબઇની કંપનીએ રક્ષા મંત્રાલય, મુંબઇ હાઇ કોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધીની લડત આપી અને આઇએનએસ વિરાટ જહાજને મ્યુઝિયમમાં તબદીલ કરવાની ઇચ્છા પ્રગટ કરી હતી. ડિસેમ્બર-૨૦૨૦માં વિરાટના ભાંગવાની શરૂઆત થઇ ગઇ હતી. જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધીમાં જહાજ ૩૦ ટકા સુધી કપાઇ ચૂક્યું હોવાનું શ્રીરામ ગ્રૂપના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યુ હતું.
તેઓએ ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ જહાજ ભાંગવામાં આવી રહ્યું છે અને હજી વધુ ૯ માસ સુધી આ જહાજ ભાંગવાની પ્રક્રિયા ચાલુ રહેશે. આઇએનએસ વિરાટની ઓનલાઇન હરાજીથી માંડીને જહાજ ભાંગવાની પ્રક્રિયા સુધી આ જહાજ સતત મીડિયાના કેન્દ્રમાં રહ્યું છે. મધ્ય ભાગમાંથી મેટલ દૂર કરવામાં આવી છે જેથી સંતુલન જળવાઇ રહે, સમુદ્રમાં ભરતી દરમિયાન જહાજનને આગળ ખેંચવામાં આવે છે.