સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરીના રૂ. ૭.૫૬ કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત ‘સુરસાગર ભવન’નું મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ૧૩મી મેએ લોકાર્પણ કર્યું હતું. આ દૂધ ડેરીમાં હાલ દૈનિક દૂધ એકત્રીકરણ ૭.૨૫ લાખ લીટર છે. સુરસાગર ડેરીના પ્લાન્ટની પ્રોસેસિંગ અને પેકિંગની ક્ષમતા દૈનિક ૨.૦ લાખ લીટર છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર ગૌ હત્યા નિષેધ માટે કટિબદ્ધ છે. ગાયને આપણે માતા ગણી છે. તેની કતલ કરનારની સરકાર દયા ખાવા માગતી નથી. આખા ભારતમાં જ ગૌ હત્યા અટકાવવા કડક કાયદો ઘડેલો છે. આજીવન કેદની જોગવાઈ કરાયેલી છે. રાજ્યમાં પશુધન વિકસે અને વધારો થાય અને ગુજરાત સમૃદ્ધ બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતમાં ગૌ સંવર્ધન અને પશુધનના કારણે આજે ગુજરાતમાં ૩ કરોડ જેવું પશુધન છે અને દૈનિક ૧૭૦ લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થાય છે.