ગાંધીનગરઃ નર્મદા નદીના વહી જતાં પાણી સતત અછત ભોગવતા સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચાડવાની તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી સૌની-સૌરાષ્ટ્ર નર્મદા જળ યોજનાનું વડા પ્રધાન મોદીના હસ્તે ૩૦મી ઓગસ્ટે લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતાં ૧૮મીએ જણાવ્યું હતું કે, રાજકોટ, મોરબી અને જામનગરને સાંકળતા આજી ડેમ નજીક એક ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવશે. એ પછી રાજકોટ આવેલા મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ૨૦મીએ ગુજરાતની પ્રતિષ્ઠાને લૂણો ન લાગે તેવી ઉત્તમ કામગીરી કરવાનો રાજ્યની જનતાને કોલ આપ્યો હતો અને ન્યુ રાજકોટના રૈયારોડ પર સાધુ વાસવાણી માર્ગ પર રૂ. ૨૭.૭૦ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા અદ્યતન ઓડિટોરિયમનું નામ બ્રહ્મલીન પ્રમુખસ્વામીજી સાથે જોડવામાં આવ્યું છે તેની જાહેરાત પણ કરી હતી.