• માતાજીને ૧,૧૧૧ મીટરની ચૂંદડી

Wednesday 14th September 2016 08:04 EDT
 

 જામનગરમાં સગર સમાજના સમસ્ત કદાવલા પરિવાર દ્વારા કુળદેવી દગાઈ માતાજી માટે ૪૫ દિવસની મહેનત બાદ ૧૧૧૧ મીટર લાંબી ચૂંદડી બનાવવામાં આવી હોવાનો પરિવારે દાવો કર્યો છે. આ ચુંદડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા માટે અરજી મોકલાઈ છે.
• ગણેશોત્સવમાં બે યુવકો ત્રિવેણીમાં ગરકાવઃ સોમનાથ નજીક ત્રિવેણી સંગમમાં વારાફરતી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું હતું ત્યારે પ્રભાસપાટણમાં રહેતા રાજભા મહિપતસિંહ જાડેજા (૩૦) તથા વિક્કી બિરજુભાઈ ચોપડા (૨૨) અકસ્માતે ત્રિવેણી સંગમના પાણીમાં ગરકાવ થવા લાગતાં બંનેએ ‘બચાવો.. બચાવો...’ની બૂમો લગાવી હતી. બૂમો સાંભળીને ત્યાં હાજર અન્ય યુવાનો તથા તરવૈયાઓએ નદીમાં કૂદી પડ્યા અને બંનેને બેભાન અવસ્થામાં નદીમાંથી બહાર કાઢીને તુરંત નજીકના દવાખાનામાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
• કોડીનાર પાસે ગૌમાંસ સાથે ડફેર પકડાયોઃ કોડીનારના મૂળ દ્વારકા પાસેથી સદામ કાળુભાઈ ડફેર નામનો બાઈકસવાર પાંચથી છ કિલો ગૌમાસ અને ધારદાર છરા સાથે આઠમીએ ઝડપાયો હતો. આ શખસે પોલીસ પૂછપરછમાં ગાયને મારી નાખી ગૌમાંસ એકત્ર કર્યું હોવાનું કબૂલ કરતાં ચકચાર મચી છે.
• મુંબઈ બ્લાસ્ટનો આરોપી ગોસાબારામાંથી ઝબ્બેઃ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે પોરબંદર નજીકના ગોસાબારા જઈને આરડીએક્સ કેસના મહત્ત્વનાં આરોપી દાદલીમિયાને ગુનાનાં ૨૩ વર્ષ પછી તાજેતરમાં પકડી પાડયો છે. પકડાયેલા આરોપી દાદલીમિયા અને તેના સાગરીતો સામે મુંબઇમાં ૧૯૯૩ની સાલમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરાવીને ૩૪૫ નિર્દોષ લોકોની હત્યા અને ૧૦૦૦થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચાડવાનો આરોપ છે.
• રૂપાલાના નાના ભાઈની પેઢી પર દરોડાઃ દેશના કૃષિ પ્રધાન અને ગુજરાત ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાના નાના ભાઈ ઘનશ્યામ રૂપાલાની રાજકોટ ખાતે આવેલી પેઢી પર મંગળવારે આઇટીના દરોડા પડ્યા હતી. આઈટીની ત્રણ ટુકડીઓ બપોર બાદ પેઢી પર ધસી આવી અને રાત સુધી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ અંગે આઇટીના અધિકારીઓએ કંઈ પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો. ઘનશ્યામ રૂપાલા વર્ષોથી અહીં ઓમ માર્કેટિંગના નામે સિમેન્ટની ડિસ્ટ્રીબ્યુટરશિપ ચલાવે છે.
• ત્રણ બહેનો પર એસિડ છાંટીને યુવાનનો આપઘાતઃ તળાજાની મજૂર સોસાયટીમાં રહેતી મુસ્લિમ પરિવારની ત્રણ સગી બહેનો નતાશા (૨૦), નુસરત (૧૮) અને નઝીરા (૧૭) ઘરની બહાર બેસીને કામ કરતી હતી ત્યારે નજીકમાં જ રહેતા સુનિલ ધીરુભાઈ સરવૈયા નામના માણસે ત્રણેય બહેનો પર એસિડ ફેંક્યો હતો. આ સમયે પાડોશમાં રહેતી આરતી બાબુભાઈ ભાલીયા (૮) ઉપર એસિડ પડતાં દાઝી ગઈ હતી. એસિડ છાંટ્યા બાદ સુનિલ નાસી છૂટ્યો હતો અને ખંઢેરા પાસેના ચેકડેમમાં
ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ત્રણેય બહેનો અને તરુણી આરતીને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter