ઓખા રેલવે સ્ટેશન પાસેથી સાતમી ઓક્ટોબરે લોકલ ટ્રેનમાંથી શંકાસ્પદ રીતે મળી આવેલી બુરખાધારી મહિલા ઉમમ્મે કુલસુમની રેલવે પોલીસે ઝડતી લેતાં તેની પાસેથી એક ચોપડીમાંથી હાથે દોરેલા કેટલીક પૂરની જગાના તેમજ રેલવેના પાટા - નક્શાઓ વગેરે મળી આવતાં તેની અટક કરીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મહિલા ઉત્તર પ્રદેશના જોનપુરની હોવાનું હાલ પૂરતું જાણવા મળ્યું છે. હાલમાં મહિલા જામનગર રેલવે પોલીસની દેખરેખ હેઠળ છે. મહિલા પાસેની આધાર કાર્ડ દ્વારા તેના અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે
• ફાયર ચેકિંગમાં કોસ્ટ ગાર્ડના કર્મચારીનું મોતઃ ઓખા કોસ્ટગાર્ડ દ્વારા આઠમી ઓક્ટોબરે બપોરના સમયે દરિયામાં શીપમાં વાર્ષિક નિરીક્ષણની કાર્યવાહી ચાલી રહી હતી. આ નિરીક્ષણની કામગીરી દરમિયાન ફાયરિંગ માટે રાખેલી એક ગનમાંથી અકસ્માતે જ ફાયર થતાં ૩૭ વર્ષીય ઓખા કોસ્ટગાર્ડના કર્મચારી કૈલાશ પ્રસાદ યાદવના માથામાં ગોળી વાગી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
• સૈનિક નિધિમાં વરિષ્ઠ નાગરિકનું રૂ.૧૧,૧૧,૧૧૧નું દાનઃ રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના રાજકોટના વરિષ્ઠ કાર્યકર ડો. હર્ષદ પંડિતે તાજેતરમાં દેશના સૈનિકોની સહાય માટે કેન્દ્ર સરકારના ફંડમાં રૂ. ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ની રકમનું માતબર યોગદાન આપી દેશભક્તિનો દાખલો આપ્યો હતો. તેઓ દર મહિને પોતાના પેન્શનમાંથી પણ આજીવન રૂ. ૧૧ હજાર સૈનિકોની સહાય માટેના ફંડમાં આપશે.
• પોરબંદર નેવી બેઝમાં ધડાકાથી દોડધામઃ પોરબંદરમાં આવેલા ભારતીય નેવીના બેઝ નજીક સાતમી ઓક્ટોબરે ધડાકા જેવો અવાજ સંભળાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય બની ગઇ હતી. પોલીસના અનુસાર નેવલ બેઝ ખાતે નિયુક્ત ગાર્ડે ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. જે પછી અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેવી પ્રવક્તા ડીકે શર્મા અનુસાર તે ધડાકો ફટાકડાના અવાજને કારણે થયો હતો. ઉલ્લેખનીય છે ઉરીમાં સૈન્ય મથક પર થયેલા હુમલા બાદ દેશભરમાં સંરક્ષણ પ્રતિષ્ઠાનો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
• પીપાવાવ પોર્ટમાંથી રૂ. ૩.૫ કરોડનું ગેરકાયદે લાલ ચંદન પકડાયુંઃ ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓએ પીપાવાવ પોર્ટમાં દરોડા પાડીને નિકાસના એક કન્ટેનરનું ચેકિંગ કરતાં તેમાંથી ટાઈલ્સના બોક્સની પાછળ છુપાવવામાં આવેલું પ્રતિબંધિત લાલ ચંદન મળી આવ્યું હતું. ડીઆરઆઈએ રૂ. ૩.૫ કરોડનું ૮,૯૩૦ મેટ્રિક ટન લાલચંદન જપ્ત કરીને બે આરોપીઓ દીપ જોશી અને શાબીરશા કનાજિયાની ધપકડ કરી છે.