વાંકાનેરઃ લગ્નસરામાં બાબરાના લુણકી તથા લાઠીના ઝરખિયા ગામ અને લાઠીમાં બે લગ્ન પ્રસંગના જમણવારમાં ૧૭૫ જેટલાં લોકોને ખોરાકી ઝેરની અસર થતાં ગ્રામ્ય વિસ્તારોમાં એમ્બ્યુલન્સની દોડાદોડી શરૂ થઈ હતી. ર૫મીએ રાત્રે ૯ વાગ્યે લગ્નની તૈયારી વચ્ચે પણ બે-ચાર બે-ચાર કેસ સારવારમાં હતા. જ્યારે વાંકાનેરમાં બપોરે લગ્નપ્રસંગે ભોજન લીધા બાદ ૨૫મી નવેમ્બર સાંજે ખોરાકી ઝેરની અસર થતા હોસ્પિટલમાં અસરગ્રસ્તો દાખલ થયા હતા. મોડીરાત સુધી તે આંકડો ૯૦ સુધી પહોંચ્યો હતો. હાલ ૬૦ સારવારમાં છે.
જેતપુરમાં PGVCL કાર્યાલયનું ખાતમુહૂર્તઃ
જેતપુરઃ જેતપુરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી, પેટા વિભાગીય કચેરી અને ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નવા કાર્યાલયનું ખાતમુહૂર્ત, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન, લિમિટેડ દ્વારા નવનિર્મિત રબારિકા સબસ્ટેશન, જેતલસર સબસ્ટેશન અને ગુંદાસરી સબસ્ટેશનનું લોકાર્પણ રાજ્યપ્રધાન ચીમનભાઈ સાપરિયા અને જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં ૨૮મી નવેમ્બરે કરાયું હતું.
આ પ્રસંગે નાણાબંધીમાં પ્રજાની તકલીફો સામે સરકાર યોગ્ય પગલાં લેશે તેવી હૈયાધારણા પ્રધાનો દ્વારા આપવામાં આવી હતી. પ્રજા પણ સરકારનો સાથ આપે તેવી અપીલ કરાઈ હતી.
રિલાયન્સ ફેક્ટરીમાં આગ લાગતાં બે કામદારનાં મોત, ૬ ઘાયલ
જામનગરઃ મોટી ખાવડીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. ડીટીએમાં ૨૩મીએ રાત્રે મેઈન્ટેનન્સ શટડાઉન કાર્ય દરમિયાન આગ ભભૂકી હતી, જેમાં ૮ કામદારો દાઝી જતાં સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં બે કામદારનાં મૃત્યુ થયાં હતાં અને છની સારવાર ચાલે છે.
રિલાયન્સના કહેવા પ્રમાણે, રિલાયન્સ ફાયરબ્રિગેડ દ્વારા તુરત આગને બુઝાવી દેવામાં આવી હતી. કેટલાક કોન્ટ્રાકટ કામદારોને દુર્ઘટનામાં ઇજા થઇ હતી, જેમને જરૂરી તબીબી સારવાર આપવામાં આવશે.
રિલાયન્સના ડીટીએ સાઈટ પર ૨૩મી નવેમ્બરે રાત્રે ત્રણ વાગ્યે કરાતાં મેઈન્ટેનન્સ શટડાઉન હેઠળના એક યુનિટમાં આગ લાગી હતી.
ઘટનામાં અમૃતલાલ ડાંગી, નરેન્દ્રસિંહ પાંડે, પપ્પુ કુમાર, બદ્રીલાલ ડાંગી, પુષ્પેન્દ્ર પાંડે, શિવાજી ચૌહાણ, તેજીલાલ ઠાકુર અને શર્માજી સહિત આઠ કામદાર દાઝ્યા હતા, જેમાં અમૃતલાલ અને નરેન્દ્રસિંહનું મોત નિપજ્યું હતું.
યુવતીને બચાવવા સુરેન્દ્રનગર પોલીસે લોહી આપ્યું
જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણીની સૂચનાથી જાહેર જગ્યાએ સુરક્ષા અને સાવચેતીના પગલાં માટેની બોમ્બ સ્કવોર્ડ અને એસઓજીની ટીમની ટ્રેનિંગ ચાલી રહી હતી. જેના ભાગરૂપે પોલીસકર્મીઓ સુરેન્દ્રનગરના સી. યુ. શાહ મેડિકલ સેન્ટરમાં હતા. આ સેન્ટરમાં દાખલ ૨૧ વર્ષીય હંસાબહેનના શરીરમાં માત્ર બે ટકા લોહી હોવાથી તેમને લોહી ચઢાવવાની જરૂર હતી. એસઓજી ટીમના જવાનોને આ કેસની જાણ થઈ તો તેમણે રક્તદાન કરીને યુવતીની જિંદગી બચાવી હતી.