હરિદ્વારના દંડીસ્વામી અચ્યુતાનંદે દ્વારકા શારદાપીઠના નવા શંકરાચાર્ય તરીકે પોતાનો પદાભિષેક શિવરાત્રીએ હરિદ્વારમાં યોજતાં દેશભરમાં ઉઠેલા વિરોધ વંટોળ વચ્ચે આ મામલે દ્વારકા પોલીસમાં કાનૂની ફરિયાદ થઈ છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ અચ્યુતાનંદના પદાભિષેકને અનૈતિક અને ગેરકાયદે પણ ગણાવ્યો છે.
• ભાવનગર મેરેથનમાં ૯ હજારથી વધુ દોડવીરોએ ભાગ લીધોઃ ભાવનગર શહેરને રાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે ચમકાવવા માટે રવિવારે યોજાયેલી ‘લેટ્સ રન’ મેરેથનમાં ૯ હજારથી વધુ લોકો દોડ્યા હતા. આ મેરેથનનું આયોજન ભાવનગર પોલીસ તંત્ર અને સુરક્ષાસેતુ સોસાયટી અને ભાવનગર મહાપાલિકાએ કર્યું હતું. ૧૨ વિદેશી દોડવીરોએ પણ આ મેરેથનમાં ભાગ લીધો હતો.
• ધોળીધજા ડેમમાં નાહવા પડેલા ત્રણ પૈકી બે યુવાન ડૂબી ગયાઃ સુરેન્દ્રનગરમાં આવેલા ધોળીધજા ડેમમાં ત્રણ મિત્રો ગાડી ધોવા આવ્યા હતા. ગાડી ધોયા પછી વસીમ દાઉદભાઈ ભટ્ટી (ઉ.વ. ૨૪), અર્જુનસિંહ પરમાર અને વિજયભાઈ ગોહિલ ગાડી ધોયા પછી ડેમમાં નહાવા પડ્યા હતા. તેમાં વિજયભાઈ ગોહિલ બહાર નીકળી ગયા, પરંતુ વસીમભાઈ ભટ્ટી અને અર્જુનસિંહ પરમાર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. તેમને શોધવા સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમે આખી રાત ડેમના પાણી માં બંનેને શોધતાં વસીમ દાઉદ ભટ્ટી (ઉ.વ. ૨૭)નો મૃતદેહ મળી આવ્યો, પણ અર્જુનસિંહનો પત્તો લાગ્યો નહીં. તેથી અમદાવાદ-રાજકોટની રેસ્ક્યુ ટીમને પણ બોલાવીને યુવાનની શોધ ચાલે છે.
• ઉના પાસે ત્રિપલ અકસ્માતમાં ત્રણના મૃત્યુઃ ઉનાથી દેલવાડા તરફ જતા એક બાઈકની સાથે એક બાઈક અને એક સ્કૂટર આવી જતાં ૨૭મીએ ત્રિપલ અકસ્માત સર્જાયો. જેમાં જિજ્ઞેશભાઈ રતિલાલ સોલંકી (ઉ. ૩૫, દીવ) અને સોહિલ યુસુફભાઈ કુરેશી (ઉ. ૧૮, ઉના)નું ગંભીર ઈજાથી સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે દક્ષ જિજ્ઞેશભાઈ સોલંકી, જિજ્ઞાબહેન જિજ્ઞેશભાઈ સોલંકી (ઉ. ૨૬), વસીમભાઈ મહેબૂબભાઈ કુરેશી (ઉ. ૨૨) અને દિવ્યાબહેન ભાવિકભાઈ કાપડિયાને ઈજા પહોંચતાં સારવાર માટે તેમને ઉના દવાખાને ખસેડાયા હતા.