નોટબંધીના લીધે દેશમાં વર્તાઈ રહેલી રોકડની ખેંચ વચ્ચે કેન્દ્ર સરકારે ઓનલાઈન વ્યવહારો વધારવા અને કેશલેસ વ્યવહારને પ્રોત્સાહિત કરવા માટે કવાયત હાથ ધરી છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન પણ કેશલેસ પદ્ધતિનો અમલ શરૂ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના મળીને કુલ ૭૨ કોર્પોરેટરોને દર માસે માનદ વેતન પેટે ચૂકવાતા આશરે કુલ રૂ. ૩.૨૫ લાખ હવે જાન્યુઆરી-૨૦૧૭થી સીધા તેમના બેંક ખાતામાં જમા થશે તેવી જાહેરાત સ્થાનિક તંત્ર દ્વારા કરાઈ છે. દરમિયાન ગત માસનું બાકી માનદ્ વેતન પણ આ રીતે જ ચૂકવાઈ જશે તેવું તંત્રએ જણાવ્યું છે.
• કારખાનામાં ઢોરમાર મારેલા યુવાનનું મૃત્યુઃ ભગવતીપુરામાં રહેતા અને રિક્ષા ચલાવતા તથા પાઉંભાજીની લારી ધરાવતા મહાદેવભાઈ સવજીભાઈ ધરજીયાને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. જે પૈકીનો લાલજી વાંકાનેરના ઢુવામાં આવેલી લાદની ફેકટરીમાં નોકરી કરતો હોઈ દરરોજ બાઈક પર અપડાઉન કરતો હતો. અઠવાડિયા પૂર્વે હસનપરથી ફોન આવ્યો હતો કે તમારો પુત્ર લાલજી અને તેના મિત્ર દારૂ પીને કારખાનામાં ઘૂસ્યા હતા અને ચોરીનો પ્રયાસ કર્યો હતો આથી તાત્કાલિક મહાદેવભાઈ હસનપુરમાં દેવજી મિસ્ત્રીના કારખાના પાસે ગયા હતા અને ઈજાગ્રસ્ત લાલજીને રાજકોટ લાવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અગાઉ પણ મહાદેવભાઈને તેના પુત્રને અન્ય ગુનામાં અંદર કરાવી દેવાની ધમકી અપાઈ હતી. જેની ફરિયાદ પિતાએ પોલીસમાં કરી છે.
• રૂ. ૨૫ લાખની ચોરીમાં આર્મીમેનની ધરપકડઃ જામનગરમાં સેતાવાડ પાસે રહેતા સોપારીના વેપારી મયૂરભાઈ જેસાણીને લગ્ન પ્રસંગે બહારગામ જવાનું હોઈ ઘરમાં રહેલી રૂ. ૫૦૦ની નોટોની કુલ રૂ. ૨૫ લાખની રોકડ મિત્ર હિતેશભાઈના ઘરે દસમી ડિસેમ્બરે મૂકવા જતા હતા. કુટુંબીભાઈ મનીષભાઈ સાથે હતા. ઇનફન્ટી લાઈનમાં રહેતા અને ભારતીય સેનામાં ફરજ બજાવતા મયૂરભાઈના મિત્ર અરવિંદ તિવારીનો તેમને અગાઉ ફોન આવ્યો હતો કે તેમનાં પત્નીની તબિયત ખરાબ હોવાથી મયૂરભાઈ રૂ. પાંચ હજારની મદદ કરે. તેથી અરવિંદને મિલિટરીના ગેટ પાસે રકમ આપતા જવાનું મયૂરભાઈએ નક્કી કર્યું હતું. મયૂરભાઈની કાર મિલિટરી ગેટ પાસે પહોંચી ત્યાં સામેથી પોલીસે પૂછપરછ કરતાં મયૂર અને મનિષ કારમાંથી ઉતરીને પોલીસને જવાબ આપતા હતા ત્યારે તિવારીએ મોટર કારની ડેકીમાંથી રૂ. ૨૫ લાખની રકમ સાથેની થેલીની ચોરી કરી અને ભાગી ગયો હતો. જોકે પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી ચાલી રહી છે.
• ચાવંડ પાસે કાર પલટી ખાઈ જતાં દંપતીનું મૃત્યુઃ અમરેલીના જીવરાજપાર્કમાં રહેતા અને બીએસએનએલમાં સબ ડિવિ. એન્જિયર તરીકે ફરજ બચાવતા પ્રવીણભાઈ હરજીભાઈ કવા (ઉ. ૫૮), તેમનાં પત્ની રમાબહેન (ઉ. ૫૫), પુત્ર નિરવ અને પુત્રવધૂ ભૂમિકાબહેન કાર લઈને ગાંધીનગર રહેતા સંબંધીને મળીને પરત અમરેલી આવવા નીકળ્યા હતા. દરમિયાન ચાવંડ-ઢસા હાઇવે પર કાર પલટી ખાઈ જતાં પ્રવીણભાઈ અને રમાબહેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું તથા નિરવ અને ભૂમિકાબહેનને નજીકની હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવ અંગેની જાણ થતા મૃતક પ્રવીણભાઈના સગાસંબંધીઓ તેમજ સાથી કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
• જી. જી. હોસ્પિટલમાં એકસાથે ૪૪ની બદલીઃ ગુજરાતના બીજા નંબરનું સ્થાન ધરાવતી જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહના ૪૪ ડોક્ટરોની આરોગ્ય વિભાગે એકસાથે બદલી કરતાં હોબાળો મચી ગયો છે. આ બદલીઓમાં મોટાભાગના વિભાગીય વડાઓનો સમાવેશ થાય છે. આ બદલીઓથી દર્દીઓની સારવાર વ્યવસ્થાને અસર પહોંચશે તેવા દાવા સાથે આ બદલીઓના વિરોધમાં જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ ૧૩મી ડિસેમ્બર ૨૦૧૬થી આંદોલનની જાહેરાત કરી હતી. જામનગર શહેર ભાજપ દ્વારા પણ આ બદલીઓ અંગે ચિંતા વ્યક્ત કરીને બદલીઓ મોકૂફ રાખવા સરકારને રજૂઆત
કરાઈ છે.
• તળાવમાં ડૂબી જવાથી માતા-બે પુત્રીનાં મૃત્યુઃ રફાળા ગામે રહેતા અમરબહેન કાનાભાઈ ડાંગર તથા તેની બે પુત્રી મમતા (ઉ. ૧૪) અને માધવી (ઉ. ૧૩) ગામના તળાવે કપડાં ધોવા ગયા હતા ત્યારે મમતા તળાવમાં નહાવા ગઈને ખાડામાં ડૂબવા લાગતાં દેકારો કરતાં અમરબહેન અને માધવી તેને બચાવવા માટે તળાવમાં ઉતર્યા હતાં, પરંતુ માતાને તરતાં આવડતું ન હોવાથી ત્રણેય ઊંડા પાણીમાં ગરક થઈ જતાં ત્રણેયના ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં. આ બનાવની જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તરવૈયાઓએ તળાવમાં ડૂબકી લગાવી ત્રણેયના મૃતદેહો બહાર કાઢ્યા હતા.
• વરઘોડામાં ફાયરિંગથી યુવતીનું મૃત્યુઃ બોડી પીપરડી ગામે વરઘોડામાં ફાયરિંગ થતાં અગાશીમાં વરઘોડો નિહાળતી ગુણીબહેન ભૂપતભાઈ મીઠાપરા (ઉ. ૧૮)ને માથામાં ભાગે ગોળી વાગતાં તેને ગંભીર ઇજા થઈ હતી. તેમને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયાં હતા જ્યાં આઠમીએ તેમનું મૃત્યુ થયુંં.