મહાપાલિકા દ્વારા આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના પાણી પુરવઠા પ્રધાન બાબુભાઈ બોખીરીયાએ ૧૫મી ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે, સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે આવતા વર્ષે રાજકોટ જિલ્લામાં આવેલા આજી ડેમ-૧ને નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યા પછી ભાદર-૧ ડેમને પણ સૌની યોજના હેઠળ પાણીથી છલકાવી દેવામાં આવશે.
• પાટડીના વિસાવડી તળાવમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજાનાં મૃત્યુઃ મૂળ પાટડીના વિસાવડીના વતની અને અમદાવાદમાં સ્થાયી થયેલા પરિવારના દીકરા જીતુભાઈ ગોવિંદભાઈ દેવીપૂજક (ઉ. વ. ૨૪) અને તેના ૧૨ વર્ષના ભત્રીજા પ્રતાપ રાકેશભાઈના વિસાવડી ગામે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હતાં. આ પરિવારના ૩૦થી વધુ સભ્યો શરદપૂર્ણિમાએ પૂજા વિધિ પછી તળાવમાં પૂજાપો પધરાવવા તળાવમાં ઊતર્યા હતા. તે પૈકી કાકા-ભત્રીજા ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.
• જૂનાગઢમાં ૨૦૦ અનુયાયીઓનો બૌદ્ધ અંગીકારઃ જૂનાગઢમાં ૧૪મીએ ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ કેન્દ્ર દ્વારા અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્રની હાજરીમાં બૌદ્ધ ધર્મના દીક્ષાંત સમારોહમાં ૨૦૦ લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. જૂનાગઢના આંબેડકર કમ્યુનિટી હોલમાં યોજાયેલા સમારંભમાં વડોદરાના ધમ્મચારી અમોધ દર્શનીજી, અમદાવાદના ધમ્મચારી રત્નપ્રિયજી, રાજકોટના મંજુરત્નજી અને જૂનાગઢના ધર્મચારી ધર્મપાલ ધમ્મમેખની હાજર રહ્યા હતા.