કેવડિયા કોલોનીઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે ૨૫મી ઓગસ્ટે સરદાર સરોવર બંધ નજીક સાધુ બેટ પાસે આકાર પામતી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી વિરાટ અને ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, સરદાર રાજકીય નહીં, રાષ્ટ્રીય છે અને એમની એ મહાનતાને આ વિરાટ પ્રતિમાથી વિશ્વ સમક્ષ ઉજાગર કરાશે. તેમણે આ પ્રતિમા સરદાર પટેલ જ્યંતીએ ૩૧મી ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાની તૈયારીઓ અંગે બેઠક પણ યોજી હતી.
સરદાર પટેલની આ પ્રતિમાનું કામ જે સ્તરે છે તેની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જણાવાયું હતું કે, પ્રતિમાનું સ્ટીલ સ્ટ્રક્ચર કામ ૨૦ સપ્ટેમ્બર સુધીમાં અને સંપૂર્ણ ફિનિશિંગ ૨૫ ઓક્ટોબર સુધીમાં પૂરું કરવાની દિશામાં ઝડપભેર કામગીરી થઇ રહી છે. આ પ્રતિમા સાથે જ સરદાર સાહેબના એક અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતું શ્રેષ્ઠ ભારત ભવન પણ બાવન રૂમો સાથે નિર્માણ પામવાનું છે. રૂપાણીએ જણાવ્યું કે, આ વર્લ્ડ ક્લાસ બનનારી જગ્યાની સફાઇ સિક્યુરિટી કાફેટેરિયા ફૂડ કાર્ટ સહિતની સુવિધાઓ પણ એ જ સ્તરની વિકસાવાશે.
વધુમાં મુખ્ય પ્રધાને કહ્યું કે, ૧૮૨ મીટર ઊંચાઇ ધરાવતા આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ૩ હજાર કામદારો અને ૩૦૦ ઇજનેરો સતત કાર્યરત છે. અંદાજે રૂ. ૨૯૮૯ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ થવાનો છે. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને આ પરિસર સાથે બોટિંગ, વેલી ઓફ ફ્લાવર અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવા અંગેની બાબતોમાં પણ વિચાર વિમર્શ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરદાર સાહેબની વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમાના લોકાર્પણ પૂર્વે સમગ્ર રાજ્યમાં સરદાર સાહેબના જીવન કવન, એકતા, અખંડિતતાને ઉજાગર કરતાં કાર્યક્રમો યોજવાની નેમ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત વડા પ્રધા નરેન્દ્ર મોદીનું સરદાર સાહેબને યથોચિત અંજલિ આપવાનું સ્વપ્ન ગુજરાત સાડા ૬ કરોડ ગુજરાતીઓના જનસહયોગથી સાકાર કરશે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, આ સ્થળે આદિવાસી અને ખેડૂતો માટે મ્યુઝિયમ બનશે. ભવિષ્યમાં આ સ્થળે પ્રવાસીઓ બોટ દ્વારા પણ આવી શકે તેવું આયોજન છે.