અમદાવાદઃ ગુજરાતના જુદાજુદા પ્લાસ્ટિક સર્જન્સ પાસે 20 પુરુષો સ્ત્રી બનવાની સર્જરી કરાવવા લાઈનમાં છે. જેમાં ડૉક્ટરોથી લઈ બિઝનેસમેનનો સમાવેશ થયો છે. અમદાવાદના સિનિયર પ્લાસ્ટિક સર્જન ડૉ. શ્રીકાંત લાગવણકરે કહ્યું કે, કોર્પોરેટ હોસ્પિટલમાં આ સર્જરી માટે આઠ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. કેટલાક લોકો પોતાની ઓળખ છતી ના થાય તે માટે વિદેશ જઈને પણ સર્જરી કરાવે છે. અમદાવાદમાં છેલ્લા ૧૫ દિવસમાં ૬ લોકોની સર્જરી થઈ ચૂકી છે. ૨૫ ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતના ગામમાં રહેતા એક યુવકે વાસણા સ્થિત પ્રભુજ્યોત હોસ્પિટલ ખાતે સ્ત્રી બનવાની સર્જરી કરાવી છે. તેણે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, છોકરો હોવા છતાં તે નાનપણથી ગામમાં છોકરી તરીકે રહ્યોં હતો. ગામના લોકોને શંકા ના થાય તે માટે દર મહિને ત્રણ દિવસ માસિક આવવાનું પણ નાટક કર્યું હતું. વજાઈનલ સર્જરી બાદ તેણે આંખમાં આંસુ સાથે સ્ત્રી તરીકેનો નવો જન્મ મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી. સ્ત્રી બનેલી દેવાંશી કહે છે કે મારે પણ લગ્ન કરવા છે, હું બાળકને દત્તક લઈ માતાનો પ્રેમ આપીશ.