મુંબઇ: સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ ગુજરાતને અને દેશ-વિદેશમાં વસતાં ગુજરાતીઓને સાંભળતાં કર્યાં. ગુજરાતના નાનામાં નાના શહેરથી શરૂ કરી અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડનમાં અસંખ્ય બેઠકો અને કાર્યક્રમો વડે ગુજરાતી ગીતો અને કવિતાને અદકેરું સ્થાન આપ્યું. પુરૂષોત્તમભાઈ મૂળ ખેડા જિલ્લાના ઉત્તરસંડાના પણ વડોદરા તેઓનું મોસાળ. તેમના માતા મકરપુરાની સૌજન્ય સોસાયટીમાં રહેતા હતા જ્યારે બહેન કાપડી પોળમાં રહેતા હતા. પુરુષોત્તમભાઈની સંગીતયાત્રાનું શિખર એટલે ‘એવરેસ્ટ’ (પેડર રોડ પર આવેલું તેમનું નિવાસસ્થાન).
પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 1932માં, ઉત્તરસંડા નામના ગામમાં, આમ તો એ પટેલોનું ગામ. બ્રાહ્મણનાં બે-ચાર ખોરડાં, તેમાંથી એક બ્રાહ્મણ કુટુંબની મા અને દીકરીઓ નવરાત્રીમાં ગરબા ગવડાવે સાથે નાનો ભાઈ પુરુષોત્તમ પણ જાય. માતા એને પણ છોકરી જેવાં જ કપડાં પહેરાવે. લ્હાણી મળવાની હોંશે નાનકડો પુરુષોત્તમ બહેનો સાથે નવરાત્રીમાં ગરબા ગાવા જાય. આમ, સહજપણે સંગીતના સૂર સિંચાતા ગયા. છ વર્ષની વયે ૧૭ વન્સમોર મેળવનાર પુરુષોત્તમ ઉપાધ્યાય સિર્ફ નામ હી કાફી હૈ!
ગામ છોડી મુંબઈ આવ્યા ત્યારે તો ખરેખર એમણે ખરેખર ચણા ફાકીને ગુજારો કરવો પડ્યો હતો. મંગલવાડીમાં સંગીતકાર કલ્યાણજીભાઈના ઘર સામે જીવણલાલ કવિ રહેતા. એ યુવા પુરુષોત્તમને પોતાના ઘરે લઈ ગયા. સૂવાનું ઘરના ઓટલે. ઘરની સાફ-સફાઈ કરવાની, પાણી ભરવા જેવાં કામો તો ખરાં જ. એવામાં અવિનાશ વ્યાસની સાથે પુરુષોત્તમભાઈની મુલાકાત એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં થઈ અને તેમનું સમયચક્ર ફરી ગયું.
અવિનાશ વ્યાસ સાથે શરૂમાં તો કોરસમાં ગાવાનું શરૂ કર્યું. એક ગીતના રૂપિયા 10 મળે. એ રીતે મહિને સો દોઢસો રૂપિયાની કમાણી થવા લાગી. સાથે ગીતો સ્વરબદ્ધ કરવાની અગત્યની તાલીમ પણ તેઓ પામતા ગયા. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર જેવા જગવિખ્યાત ગાયકોએ તેમના સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગાયા છે. અવિનાશ વ્યાસના માનસપુત્ર તરીકે સ્થાન પામ્યા અને શરૂઆતના વર્ષોમાં અવિનાશ વ્યાસના જ વારસપુત્ર ગૌરાંગ વ્યાસ સાથે ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતી અને ઊપર ગગન વિશાળ માટે સંગીત આપ્યું.
અવિનાશ વ્યાસ ઉપરાંત નિનુ મઝુમદાર, અજીત મર્ચંન્ટ, દિલીપ ધોળકિયા, ક્ષેમુ દિવેટિયા, રસિકલાલ ભોજક અને અજીત શેઠનો આદર અને પ્રેમ પ્રાપ્ત કર્યો. આશિત દેસાઈથી આદિત્ય નાયક સુધીના કંઈ કેટલાંય (લગભગ બધાં જ) કલાકારોને તેમણે પ્રોત્સાહિત કર્યાં અને ઉમળકાભેર આવકાર્યાં.
જાણીતા ગીતકાર-ગાયકની સંગીતયાત્રા આલેખતાં પુસ્તક ‘સુરોત્તમ પુરુષોત્તમ’નું વિમોચન લતા મંગેશકરે કર્યું હતું. લતાજીએ તેમના જીવનનું સૌથી પહેલું ગુજરાતી ગીત ગાયું, તે પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરબદ્ધ થયેલું. જાણીતાં ગઝલ અને ઠૂમરીનાં ગાયિકા બેગમ અખ્તરે તેમની સ્વરાંકિત કરેલી ગઝલો ગાવાની ઇચ્છા વ્યક્ત કરી અને એ રેકોર્ડ કરાઇ તે ગુજરાતી કાવ્યસંગીતની એક વિરલ ઘટના જ કહેવાય.
અંબાજી દર્શનની ઇચ્છા અધૂરી રહી
વડોદરા ખાતે પુરુષોત્તમભાઈના પરિચીત ઉપેન્દ્ર સોની (લાલાભાઈ)એ કહ્યું હતું કે ‘પુરુષોત્તમભાઇ જ્યારે પણ વડોદરા આવે ત્યારે હોટલમાં નહી પરંતુ તેમના પરિચીતોને ત્યાં અથવા તો મારા ઘરે જ રોકાતા હતા. હજુ 20 દિવસ પહેલા જ પુરુષોત્તમભાઇના શિષ્ય કૃણાલ વોરા સાથે વાત થઈ ત્યારે તેમણે કહ્યું કે પુરુષોત્તમભાઈની ઇચ્છા અંબાજી ખાતે માતાજીના દર્શન કરવાની છે. તેમણે કહ્યું છે કે ડિસેમ્બરના અંતમાં પહેલાં વડોદરા આવીશુ પછી અમદાવાદ જઈશુ અને ત્યાંથી અંબાજી જઈશું.’ પુરૂષોત્તમભાઈએ વડોદરામાં છેલ્લે 2017માં શિવોત્સવમાં લાઈવ પરફોર્મન્સ આપ્યુ હતું. તેઓ સળંગ ત્રણ વર્ષ એટલે કે વર્ષ 2015, 2016 અને 2017માં વડોદરામાં પરફોર્મન્સ માટે આવ્યા હતા. તે પછી તેઓને કોઈ જાહેર કાર્યક્રમ યોજાયો નથી.