અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ વધી રહેલા પેસેન્જર ટ્રાફિક વચ્ચે ફલાઈટોને વારંવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી રહે છે. આવા સંજોગોમાં પેસેન્જરોની બેગો ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા તો ચેક કરાય છે. જોકે હવે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ (BCAS) સુરક્ષાને વધુ ચુસ્ત બનાવતાં ડોમેસ્ટિક એરપોર્ટ પર પેસેન્જર લગેજના સ્ક્રીનિંગ માટેના સિંગલ વિન્ડો એક્સ-રે મશીનના સ્થાને ડ્યુઅલ વિન્ડો સ્ક્રીનવાળા હાઈટેક એક્સ-રે મશીન મૂક્યાં છે. આ આધુનિકતમ એક્સ-રે મશીન છેલ્લા બે માસમાં 6 લાખ બેગનું સ્ક્રીનિંગ કરાયું છે, જેમાંથી 3100 પ્રતિબંધિત વસ્તુ મળી આવી હતી. જેમાં બે હજારથી વધુ પાવર બેન્ક, 450 બેટરી, 350 લાઈટર વગેરેનો સમાવેશ થાય છે.
પહેલાં બેગ એક જ બાજુ સ્કેન થતી હતી
અત્યાર સુધી અહીં એરપોર્ટ ઈનલાઈન બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ (ILBS) લેવલ-3 સિંગલ વિન્ડો એક્સ-રે મશીનનો ઉપયોગ કરાતો હતો જેથી કન્વેયર પ૨ બેલ્ટ પરથી એક્સ-રે મશીનમાં જતી બેગોનું એક બાજું સ્કેનિંગ થતું ન હતું. સ્ટાફને સ્કેનિંગ વખતે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ લાગે તો બેગને ઉંચકીને મેન્યુઅલી બીજી બાજુથી એક્સે-રે મશીનમાં સ્કેન કરવી પડતી હતી, જેથી સમય પણ બગડતો હતો. જોકે હવે નવા ડયુઅલ સ્કેનિંગથી આ ઝંઝટમાંથી છૂટકારો મળશે.
હવે બંને બાજુથી લગેજનું સ્ક્રીનિંગ
હવે લગેજનું બન્ને બાજુથી સ્ક્રીનિંગ થતાં કોઇ પ્રવાસી પેસેન્જર બેગોમાં જાણી જોઈને કે ભૂલથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ લઇ જતી હશે તો પકડાઈ જશે. એરપોર્ટ પર ઇનલાઇન લગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ લેવલ-૩ પરથી પેસેન્જરોનું લગેજ આગળ-પાછળ એટલે કે ડ્યુઅલ વિન્ડો સ્ક્રીન ધરાવતા હાઇટેક એકસ-રે મશીનમાં સ્ક્રીનિંગ થશે. જે લગેજને ઓટોમેટિક બન્ને બાજુ સ્ક્રીનિંગ કરશે અને બેગેજ મેકઅપ એરિયામાંથી સુરક્ષિત રીતે ફલાઇટમાં પહોંચી જશે.