નવી દિલ્હી: ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક જીવન અંગે જાણવા માટે હવે પુસ્તકો ફંફોસવાની જરૂર નથી. હવે માત્ર એક ક્લિકથી જ તેના જીવનના વણસ્પર્શ્યા પાસાંથી પરિચિતિ થઈ શકો છો. તેમના ચાહકો-સમર્થકોના અનુરોધ પર ‘મોદી સ્ટોરી’ (www.modistory.in) નામની વેબસાઈટ શરૂ કરાઈ છે. જેમાં વડા પ્રધાનના જીવનને નજીકથી જોનરા લોકોના અનુભવો અને યાદોનું સંકલન કરાયું છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રી સુમિત્રા ગાંધી કુલકર્ણીએ 26 માર્ચ - શનિવારે આ વેબસાઈટ લોન્ચ કરી હતી. તેમાં લોકોને આગ્રહ કરાયો છે કે જો તેમની પાસે વડા પ્રધાન મોદી સાથે જોડાયેલી વ્યક્તિગત યાદ, રાઈટ-અપ, ઓડિયો કે વિઝ્યુલરી રીતે વાર્તા-ચર્ચા ફોટો અથવા પત્ર હોય તો શેર કરી શકે છે.
કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના ટ્વિટર હેન્ડલથી આ વેબસાઈટને શેર કરતાં લખ્યું છે કે ‘ધૈર્ય અને અનુગ્રહની વાર્તા, વ્યક્તિગત મુલાકાતોની જાદુઈ યાદો, એક મળતાવડાં વ્યક્તિત્વ, એક નિર્ણાયક રાજકીય વ્યક્તિત્વને દર્શાવતી વાતચીત, અત્યાર સુધી વણકહી, વણસાંભળી કહાણીઓ.’ કેન્દ્રિય રમત મંત્રી અનુરાગ ઠાકુરે વેબસાઈટને શેર કરતા ટ્વિટ કર્યું કે એક સ્વયંસેવી જૂથ દ્વારા અનોખી પહેલને જુઓ.
પોર્ટલ પર જણાવાયું છે કે અમે માનીએ છીએ કે જીવનના અલગ અલગ તબક્કે વડા પ્રધાન સાથે ગાઢ રીતે સંકળાયેલા લોકોએ તેમને જે રીતે જોયા છે તે આજે આગામી પેઢી માટે પ્રેરણાના સ્રોત છે. તેઓ એક આત્મવિશ્વાસ ઉભો કરી શકે છે કે હું પણ મોદી જેવો બની શકું. ઉલ્લેખનીય છે કે આ વેબસાઇટનો લોગો ચાનો એક કપ છે.
પંજાબના રહેવાસી ભાજપ નેતા મનોરંજન કાલિયાએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન બાળકો માટે ટોફી લઈ જવાની સલાહ આપતા હતા. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ આ રાજ્યથી કર્યો હતો.
આ વેબસાઈટમાં પીએમ મોદી સાથે જોડાયેલા તમામ લોકોની યાદો અને અનુભવોને સંકલિત કરાયા છે. આમાં ગુજરાતના વડનગર સ્થિત જે સ્કૂલમાં મોદી ભણતા હતા તેના પ્રિન્સિપાલ રાસબિહારી મણિયાર, 1990ની આજુબાજુની યાત્રા દરમિયાન અવારનવાર જેમના ઘરમાં રોકાતા તે શારદા પ્રજાપતિ, ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા, બેડમિંગ્ટન ખેલાડી પુલેલા ગોપીચંદ વગેરે સામેલ છે. વડા પ્રધાનના શાળાકાળના શિક્ષકો કહે છે કે બાળપણમાં મોદી સૈનિક સ્કૂલમાં ભરતી થવા માંગતા હતા. જ્યારે વડનગરના તેમના પડોશીઓ યાદ તાજી કરતાં કહે છે કે કટોકટી વેળા મોદી શીખના વેશમાં ફરતા હતા.
ગુજરાતના ડો. અનિલ રાવલે લખ્યું કે 1980માં વડા પ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન, જ્યારે તેમને પૂછ્યું કે તેઓને સમાજના દલિત લોકોના ઉત્થાન માટે ક્યાંથી પ્રેરણા મળી, ત્યારે તેમણે ઝૂંપડપટ્ટીમાં રહેતા એક સ્વયંસેવકના ઘરે કરેલા ભોજનની ઘટના યાદ અપાવી. ત્યાં તેમને બાજરીનો રોટલો અને એક વાટકીમાં દૂધ પીરસવામાં આવ્યું હતું. બાજુમાં ઉભેલો તેનો છોકરો એકીટશે દૂધનો વાટકો જોઈ રહ્યો હતો. સમગ્ર બાબતને પારખી લેતા તેમણે રોટલો ખાધો અને દૂધ છોડી દીધું. બાદમાં તે છોકરો એકશ્વાસે બધું દૂધ પી ગયો. ડો. રાવલના જણાવ્યા અનુસાર મોદીએ કહ્યું કે તેમણે ત્યારથી જ ગરીબો માટે જીવન સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.