સુરત: રાજ્યની પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા સભ્ય અને કહેવાતા સાહિત્યકાર રવિન્દ્ર પારેખ દ્વારા ફેસબુક ઉપર ફરીથી મહિલાઓને અભદ્ર માગણી કરતી પોસ્ટ કરતાં વિવાદ વકર્યો છે.
એક મહિલા પત્રકારે રવિન્દ્ર પારેખની ‘બોલને યાર... આઈ લાઈક યુ’ ચેટનો સ્ક્રીન શોટ પોતાની ફેસબુક વોલ પર મૂક્યા બાદ બેથી ત્રણ મહિલાઓ - યુવતીઓએ રવિન્દ્ર પારેખ દ્વારા કરાયેલી આ મહિલાઓને રંજાડતી શબ્દલીલાની ચેટના સ્ક્રીન શોટ કમેન્ટમાં મૂક્યા હતા. આ ચર્ચાસ્દ પોસ્ટ સામે હાલમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ થયું છે અને કેટલાક દ્વારા તો સુરત જઇને રવિન્દ્ર પારેખને પાઠ ભણાવવાનો સીધો ઉલ્લેખ કરતી પોસ્ટ પણ કરાઈ રહી છે. મહિલાઓને ‘આઈ લાઈક યુ’ તો ઠીક છે, પરંતુ સીધે સીધા ‘આઈ લવ યુ’ કહેતી પોસ્ટ બાદ પારેખ સામે સાહિત્યજગતમાં ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે અને તેમને ગુજરાતી સાહિત્ય પરિષદની સમિતિમાંથી તત્કાળ દૂર કરવાની માગણી શરૂ થઈ છે.
હાલમાં વોટ્સ એપ અને ફેસબુક ઉપર પારેખના વિરોધમાં એક મોટાપાયે અભિયાન શરૂ થયું છે જેમાં એક પછી એક મહિલાઓ દ્વારા તેમની સાથે થયેલી કરતૂતનો પર્દાફાશ થઈ રહ્યો છે. જાહેરમાં આવા અશ્લીલ કરતૂતો બદલ તેમને મળેલો રાજ્ય સરકારનો ધનજી કાનજી એવોર્ડ પણ પાછો લઈ લેવાની માગણીઓ થઈ છે.
આ સમગ્ર પ્રકરણમાં રવિન્દ્ર પારેખે પોતે નિર્દોષ હોવાનું અને આવી કોઈ કોમેન્ટ તેમના નામે કરાઈ હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમના
નામની પોસ્ટને ઈરાદાપૂર્વક ચગાવાઈ રહી હોવાનું જણાવ્યું હતું.