હાઈજેનિક રીતે ATMથી પાણીપુરીની લિજ્જત માણો

Wednesday 15th July 2020 05:34 EDT
 
 

ડીસાઃ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના રહીશ ભરત પ્રજાપતિએ પાણીપુરીનું વેન્ડિંગ મશીન (ATM) બનાવ્યું છે. આ મશીન કોરોના વાઇરસના સમયમાં લોકોને હાઇજેનિક રીતે ગોલગપ્પા ખવડાવશે. કોરોનાના સંક્રમણના ભયને કારણે પાણીપુરી ખાવાનું ટાળનાર લોકો હવે આ ATMમાં પૈસા નાંખીને જાતે જ મનપસંદ પકોડીની લિજ્જત માણી શકે છે. આ મશીનમાં ૧૦૦ પાણીપુરી લોડ કરી શકાય છે. કોરોનાનો રોગચાળાને ડામવા લોકડાઉન અમલી બનવાને પગલે હોટેલો, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો, વગેરે બંધ કરાયા હતા. જેના કારણે ફાફડા, દાળવડા, વડાપાઉં, પાણીપુરી, વગેરે જેવા નાસ્તા કરનારાઓને તેનો સ્વાદ પણ કરી શક્યા નહોતા. કોરોનાની મહામારીમાં સૌથી વધારે ફટકો ખાણી-પીણી બજારને પડયો છે. લોકડાઉન તો હટાવાયું છે, પરંતુ લોકો કોરોનાના સંક્રમણથી બચવા બહારનું ખાવાથી ડરે છે.
ગ્રામ્ય વિસ્તારના રહીશે આગવી કોઠાસૂઝનો ઉપયોગ કરીને આ મશીન બનાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલના’ સૂત્રને સાર્થક કર્યું છે. જોકે લોકડાઉન પછી પણ હાઈજેનિક રીતે પકોડી ખાવાનો આ સારો વિકલ્પ છે. ફક્ત ૧૦ ધોરણ પાસ અને ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા ભરત પ્રજાપતિએ લોકડાઉનના સમયનો સદ્ઉપયોગ કરીને વેસ્ટ વસ્તુઓમાંથી એક બેસ્ટ પાણીપૂરીનું ATM મશીન બનાવ્યું છે. જેમાં ગ્રાહક જાતે જ પૈસા નાખી મનપસંદ પકોડી ખાઈ શકે છે. આ મશીનમાં પૈસા નાખવાથી તમારી મનપસંદ પકોડી એક એક કરી બહાર આવે છે. જે ગ્રાહક જાતે જ ઉઠાવી ખાઈ શકે છે.
રૂ. ૧૦ના સિક્કાથી લઈ રૂ. ૧૦૦ની નોટો ચાલે
ભરત પ્રજાપતિએ બનાવેલા આ પાણીપુરીના મશીનમાં રૂ. ૧૦નો સિક્કો નાંખો તો પણ પાણીપુરી બહાર આવે અને રૂ. ૧૦, ૨૦, ૫૦ અને રૂ. ૧૦૦ની ચલણી નોટ નાંખો તો પણ પાણીપુરી બહાર આવે.
આ ATM કેવી રીતે બન્યું?
 ભરત પ્રજાપતિએ કહ્યું કે, ગ્રાહકે મશીનમાં સ્ટાર્ટ બટન દબાવીને પછી કેટલા રૂપિયાની પકોડી ખાવી છે તે રકમ લખીને ગ્રાહકે મશીનમાં નીચેની સાઇડે આપેલી જગ્યામાં રૂપિયાની નોટ અંદર નાખવાની એટલે મશીન નોટને સ્કેન કરી ઓળખી લેશે કેટલા રૂપિયાની નોટ છે. ત્યારબાદ એન્ટર બટન દબાવી દેવાનું એટલે એક એક કરી મનપસંદ પકોડી તૈયાર થઈ બહાર આવશે જે ગ્રાહક જાતે જ લઈ ખાઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter